૧૪ દિવસ સાઇકલ ચલાવીને એવરેસ્ટ બેઝ સુધી પહોંચી યુવતી

11 April, 2026 01:33 PM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

દિવ્યા ટીચર છે અને તેણે સાઇકલ પર એવરેસ્ટ બેઝ સર કરીને ઇતિહાસ રચ્યો છે. તેણે કાઠમાંડુથી યાત્રા શરૂ કરી હતી અને ૧૪ દિવસમાં ૧૭,૫૬૦ ફુટની ઊંચાઈ પર આવેલા એવરેસ્ટના બેઝ-કૅમ્પ પર પહોંચી હતી.

૧૪ દિવસ સાઇકલ ચલાવીને એવરેસ્ટ બેઝ સુધી પહોંચી યુવતી

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રહેતી ૨૯ વર્ષની દિવ્યા સિંહ નામની ટીચરે એક અનોખું કારનામું કરી બતાવ્યું છે. તેણે સાઇકલ પર એવરેસ્ટ બેઝ સુધી પહોંચવાનું બીડું ઝડપ્યું હતું. આ કામ સફળતાપૂર્વક પાર પાડવા બદલ તેની ઉપલબ્ધિઓની પ્રશંસા કરતાં લોકો થાકતા નથી. દિવ્યા ટીચર છે અને તેણે સાઇકલ પર એવરેસ્ટ બેઝ સર કરીને ઇતિહાસ રચ્યો છે. તેણે કાઠમાંડુથી યાત્રા શરૂ કરી હતી અને ૧૪ દિવસમાં ૧૭,૫૬૦ ફુટની ઊંચાઈ પર આવેલા એવરેસ્ટના બેઝ-કૅમ્પ પર પહોંચી હતી. તે કાઠમાંડુથી સાલેરી, સુરકે, ફકડિંગ, નામચે બાઝાર, લોબુચે અને ગોરકશેપ જેવા મુશ્કેલ ગણાતા વિસ્તારોમાં સાઇકલ લઈને પાર થઈ હતી. માઇનસ ૧૨ ડિગ્રી ઠંડીમાં ખૂબ જ ઓછા ઑક્સિજન અને ભારે પવનનો સામનો કરીને તે રોજ ૧૦થી ૧૨ કલાક સાઇકલ ચલાવતી હતી. કેટલીક જગ્યાએ તો પથ એટલો સાંકડો હતો કે તેણે સાઇકલ ખભે ઊંચકીને એ વિસ્તાર પાર કરવો પડ્યો. દિવ્યા આ કારનામું કરનારી પહેલી ભારતીય મહિલા છે. વિશ્વમાં તે બીજા નંબરે છે. બેઝ-કૅમ્પ પર સાઇકલ સાથે તિરંગો લહેરાવતો તેનો વિડિયો તેના સાહસનો પુરાવો આપે છે. 

offbeat news everest national news social media kathmandu