બાળકના ડાબા હાથની આંગળીમાં ફ્રૅક્ચર હતું, સરકારી હૉસ્પિટલના ડૉક્ટરે જમણા હાથને પ્લાસ્ટર લગાવી દીધું

03 May, 2026 01:22 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના હાથરસ શહેરની સંયુક્ત જિલ્લા હૉસ્પિટલમાં હેરાન કરી દેનારો એક મામલો સામે આવ્યો છે.

આ રહ્યું એ બાળક

ઉત્તર પ્રદેશના હાથરસ શહેરની સંયુક્ત જિલ્લા હૉસ્પિટલમાં હેરાન કરી દેનારો એક મામલો સામે આવ્યો છે. આરોપ છે કે એક બાળકને ડાબા હાથની આંગળીમાં ફ્રૅક્ચર હતું, પરંતુ ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ દરમ્યાન બાળકના જમણા હાથને પ્લાસ્ટર લગાવી દીધું હતું. ૪ વર્ષનો હર્ષ ગુરુવારે ઘરમાં રમી રહ્યો હતો ત્યારે તેના હાથમાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે જિલ્લાની સરકારી હૉસ્પિટલના OPDમાં લઈ ગયા. OPDમાં ડૉક્ટરોએ બાળકના હાથનો એક્સ-રે કર્યો અને એ રિપોર્ટમાં ડાબી બાજુના હાથની આંગળીમાં ફ્રૅક્ચર થયું હોવાની પુષ્ટિ થઈ હતી. ડૉક્ટરોએ એ પછી તેના હાથ પર પ્લાસ્ટર લગાવ્યું અને દવા આપીને ઘરે મોકલી દીધો. હૉસ્પિટલે એક્સ-રે અને પ્લાસ્ટર માટે ૭૦ રૂપિયા પણ ચાર્જ કર્યા હતા. જોકે ઘરે પહોંચ્યા પછી પણ બાળક સતત રડતું જ રહ્યું હતું. પરિવારજનોએ જ્યારે પૂછ્યું તો દુખાવો થવાની ફરિયાદ કરતું હતું. જોકે ઘણા સમય પછી ખબર પડી કે તેને ડાબી આંગળીમાં દુખે છે. પરિવારજનો એક્સ-રે રિપોર્ટ લઈને ફરી હૉસ્પિટલમાં ગયા તો ખબર પડી કે એક્સ-રેમાં તો ડાબા હાથમાં ઈજા બતાવે છે, જ્યારે પ્લાસ્ટર જમણા હાથમાં લગાવેલું છે. આ ઘટના પછી પરિવારજનો પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા અને સરકારી હૉસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. 

offbeat news uttar pradesh india national news