પ્રસવની પીડા સહન ન થવાથી મહિલાએ જાતે જ બ્લેડથી પેટ ફાડી નાખ્યું

22 February, 2026 02:38 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેને લખનઉમાં ઇમર્જન્સી સારવારની વ્યવસ્થા ગોઠવી આપી હતી

તેનાથી ડિલિવરીની પીડા સહન ન થતાં તેણે બાળકને જન્મ આપવા માટે આત્મઘાતી પગલું ઉઠાવ્યું

ઉત્તર પ્રદેશના બહુરાઇચમાં મુન્નીદેવી નામની એક ગર્ભવતી મહિલાએ પ્રસવની અસહ્ય પીડાથી છુટકારો મેળવવા માટે જાતે જ પોતાના પેટ પર ચીરો મૂકીને એને ફાડી નાખ્યું હતું. આ ભયાનક પગલાને કારણે તેની હાલત વધુ નાજુક થઈ ગઈ હતી. બહુરાઇચમાં નંદવલ ગામમાં ૩૨ વર્ષની મહિલા પ્રેગ્નન્ટ હતી, પરંતુ તે ગર્ભવતી હતી ત્યારે જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. એ પછી તે એકલી જ રહેતી હતી. જ્યારે તેને પ્રસવની પીડા ઊપડી ત્યારે પણ ઘરમાં કોઈ હાજર નહોતું. તેનાથી ડિલિવરીની પીડા સહન ન થતાં તેણે બાળકને જન્મ આપવા માટે આત્મઘાતી પગલું ઉઠાવ્યું. તેણે બ્લેડ લઈને પોતાના જ પેટ પર ચીરો મૂકી દીધો. એને કારણે આંતરડાં બહાર આવી ગયાં હતાં. ડબલ પીડાને કારણે ચીસો પાડી ઊઠેલી મહિલાનો અવાજ સાંભળીને પાડોશીઓ ત્યાં પહોંચી ગયા. ફાટેલું પેટ જોઈને તેઓ ગભરાઈ ગયા. તેમણે પેટ પર પાટા બાંધીને વહેતું લોહી બંધ કરવાની કોશિશ કરી અને તેને હૉસ્પિટલ લઈ જવા માટેની તજવીજ કરી રહ્યા હતા એટલામાં તો મુન્નીદેવીએ નૉર્મલ ડિલિવરીથી દીકરીને જન્મ આપ્યો હતો. નવજાત બાળકી અને ઘાયલ માને સાથે હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં ત્યારે દીકરી સ્વસ્થ હતી, પરંતુ આંતરડાં બહાર નીકળી જવાને કારણે મહિલાની સ્થિતિ નાજુક હતી. ડૉક્ટરોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેને લખનઉમાં ઇમર્જન્સી સારવારની વ્યવસ્થા ગોઠવી આપી હતી. હવે મહિલાની લખનઉમાં સારવાર ચાલી રહી છે. 

offbeat news national news india uttar pradesh