દીવાલ અને બળદગાડા વચ્ચે દબાઈને મહિલા મૃત્યુ પામી

18 November, 2025 01:22 PM IST  |  Meerut | Gujarati Mid-day Correspondent

આ બહેન તેમના બે દીકરાઓ સાથે ખેતીકામ કરી રહ્યાં હતાં. પરિવારની આજીવિકાનો આધારસ્તંભ પણ તેઓ જ હતાં

કમલેશબહેનનું માથું દીવાલ સાથે અફળાયું અને તેઓ ઘાયલ થઈને જમીન પર પડી ગયાં.

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના એક ગામમાં પંચાવન વર્ષનાં કમલેશ નામનાં બહેન ખેતરમાંથી શેરડી કાપીને પગપાળા ઘરે આવી રહ્યાં હતાં ત્યારે અચાનક જ એક બળદગાડાએ તેમનું જીવન છીનવી લીધું હતું. ગામડામાં જોવા મળતી એક સામાન્ય ઘટના હતી; બળદગાડું શેરડીના પાકથી છલોછલ ભરેલું હતું એટલે કમલેશબહેન બળદગાડાની સાથે ચાલી રહ્યાં હતાં. જોકે અચાનક કશાક અવાજથી ગભરાઈને બળદે દોડવાનું શરૂ કર્યું. કમલેશબહેને બળદને નિયંત્રિત કરવાની કોશિશ કરી, પણ એ જ વખતે તેમની જમણી તરફ દીવાલ આવી ગઈ. બળદ અને દીવાલની વચ્ચે કમલેશબહેન ફસાઈ ગયાં. બળદ પણ નિયંત્રણમાં ન હોવાથી કમલેશબહેનનું માથું દીવાલ સાથે અફળાયું અને તેઓ ઘાયલ થઈને જમીન પર પડી ગયાં. ગ્રામજનોએ તેમને ઊંચકીને નજીકના દવાખાને પહોંચાડ્યાં હતાં, પરંતુ ત્યાં થોડી વારમાં જ તેમનો જીવ જતો રહ્યો હતો.

કમલેશબહેનનો પતિ પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો અને આ બહેન તેમના બે દીકરાઓ સાથે ખેતીકામ કરી રહ્યાં હતાં. પરિવારની આજીવિકાનો આધારસ્તંભ પણ તેઓ જ હતાં.

offbeat news uttar pradesh meerut road accident national news india