08 December, 2025 02:21 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પિન્કી
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં ૨૮ વર્ષની પિન્કી શર્મા નામની એક યુવતીએ શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નની વિધિ દરમ્યાન તેના જીજાજી ઇન્દ્રેશ કુમારનો પરિવાર જાનૈયા બનીને કૃષ્ણની મૂર્તિ લઈને આવ્યો હતો. પિન્કીના ગામના લોકોએ જાનને આવકારી હતી. વરરાજા સાથે કરવામાં આવે એ તમામ વિધિ શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે કરવામાં આવી હતી. પિન્કીએ ગોદમાં શ્રીકૃષ્ણની મૂર્તિ લઈને લગ્નની સમગ્ર વિધિ કરી હતી અને ૭ ફેરા પણ લીધા હતા. પિન્કી પોસ્ટ-ગૅજ્યુએટ છે, પરંતુ બાળપણથી જ કૃષ્ણની ભક્ત છે. શનિવારે સાંજે લગ્ન થયાં અને રવિવારે તેની વિદાઈનો કાર્યક્રમ થયો. એ પછી પિન્કી પોતાના જ ઘરમાં કૃષ્ણની મૂર્તિ સાથે રહે છે. લગ્નમાં વૃંદાવનથી આવેલા કલાકારોએ કૃષ્ણગીતો પર ડાન્સ કર્યો હતો. આખું ગામ સાથે મળીને જમ્યું અને દીકરીને વિદાય પણ કરી. જોકે નવાઈ એ વાતની લાગે કે પોતાની દીકરીને કોઈ મૂર્તિ સાથે પરણાવવા પિતા કેમ તૈયાર થયા? તો આ વિશે પિન્કીના પિતા કહે છે, ‘પિન્કી મારી સૌથી નાની દીકરી છે. બાળપણથી તે ધાર્મિક હતી. તે મારી સાથે વૃંદાવન આવતી અને વારંવાર ત્યાં જવા કહેતી. લગભગ ૪ મહિના પહેલાં બાંકે બિહારી મંદિરમાં પિન્કીને અનોખો અનુભવ થયો જેણે તેનું જીવન બદલી નાખ્યું. પ્રભુનો પ્રસાદ સ્વીકારતી વખતે પિન્કીના ખોળામાં સોનાની એક અંગૂઠી આવી ચડી હતી. પિન્કીએ એને કૃષ્ણનો પ્રસાદ માનીને એ જ દિવસથી નક્કી કરી લીધું કે હવે તે કોઈ માણસ સાથે નહીં, પણ કાન્હા સાથે જ વિવાહ કરશે.’
ગયા અઠવાડિયે ઓરૈયા જિલ્લાના એક નાના કસબામાં રણજિત સિંહ નામના ભાઈની ૩૧ વર્ષની દીકરી રક્ષા સોલંકીએ પણ વૃંદાવનમાં કાન્હાના પ્રેમમાં પડીને શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કરી લીધાં હતાં.