29 December, 2025 11:57 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
યુગલ
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં થોડા દિવસ પહેલાં જ ભાગીને લવ-મૅરેજ કરી લેનારા એક નવયુગલે લગ્નના બાવીસ દિવસ પછી એ જ મંદિરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બાવીસ વર્ષનો ખુશીરામ અને ૧૯ વર્ષની મોહિની બન્ને દૂરનાં સગાં થતાં હતાં પરંતુ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાથી પરિવારજનો તેમનાથી નાખુશ હતા. દૂરના સગપણને કારણે કોઈ કાળે પરિવારજનો માને એવું શક્ય નહોતું. આખરે તેમણે ૬ ડિસેમ્બરે ઘરેથી ભાગી જઈને નજીકમાં આવેલા હરગાંવ નામના ગામમાં મહામાઈ મંદિરમાં વૈદિક રીતરિવાજથી લવ-મૅરેજ કરી લીધાં. આ લગ્નની ખબર પડ્યા પછી બન્નેના પરિવારજનો ખૂબ ગુસ્સે થયા હતા પરંતુ ધીમે-ધીમે તેમણે એ સંબંધને સ્વીકારવા માટે મન બનાવી લીધું હતું. ખુશીરામ પત્ની મોહિની સાથે તેના લહરપુર ગામમાં આવેલા પરિવાર સાથેના ઘરમાં જ રહેવા લાગ્યો હતો. ઘરમાં બધું જ સામાન્ય લાગી રહ્યું હતું, પરંતુ ગઈ કાલે એટલે કે રવિવારે અચાનક જ તેમણે આત્મઘાતી પગલું ઉઠાવ્યું હતું. રવિવારે વહેલી સવારે જ્યારે ભક્તો મહામાઈ મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા તો બન્નેનાં શબ મંદિર પરિસરમાં આવેલા એક જૂના જાજરમાન વૃક્ષ પર લટકેલાં જોવા મળ્યાં હતાં. જે મંદિરમાં બાવીસ દિવસ પહેલાં હંમેશાં સાથે જીવવાનું નક્કી કરેલું ત્યાં જ તેમણે સાથે જીવન ટૂંકાવ્યું હતું. આ આત્મહત્યા છે કે એની પાછળ કોઈ માનસિક દબાણ કે સતામણી એ વિશે પોલીસ હવે તપાસ કરશે.