રીલ બનાવવાની શોખીન ૩ બહેનોએ એક જ કૅમેરામૅન સાથે લગ્ન કરી લીધાં

25 July, 2026 10:52 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના અમરોહામાં ૩ છોકરીઓ એક જ યુવક સાથે મંદિરમાં ફેરા ફરતી હોય એવો વિડિયો વાઇરલ થયો હતો

ત્રણ બહેનોએ એક જ યુવક જોડે કર્યા લગ્ન

ઉત્તર પ્રદેશના અમરોહામાં ૩ છોકરીઓ એક જ યુવક સાથે મંદિરમાં ફેરા ફરતી હોય એવો વિડિયો વાઇરલ થયો હતો. મંદિરમાં આવી ઘટના થવા બદલ હિન્દુ સંગઠનોએ જબરો હોબાળો મચાવ્યો. પહેલાં તો આ લગ્ન રીલ માટે કરવામાં આવ્યાં છે કે રિયલમાં એ સ્પષ્ટ નહોતું એટલે અમરોહા પોલીસે આ ચારેય જણની ઓળખ કરીને તેમને ગુરુવારે પોલીસ-સ્ટેશને હાજર રહેવા જણાવ્યું હતું. પોલીસે જ્યારે કડક પૂછપરછ કરી ત્યારે સ્પષ્ટતા થઈ હતી કે આ કોઈ રીલ માટેનાં લગ્ન નહોતાં તેમણે સાચે જ લગ્ન કર્યાં છે. 

વાત એમ છે કે આ ત્રણેય બહેનોનું માનવું છે કે તેઓ એકબીજાથી જુદી રહી શકે એમ નથી. તેઓ બાળપણથી દરેક કામ સાથે જ કરતી આવી છે અને સાથે જ કરવા માગે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ એક અકાઉન્ટથી સક્રિય છે. તેમની રીલ બનાવવા માટે થઈને મદદ કરતા વિકાસ નામના કૅમેરામૅનની સાથે બહુ હળીમળી ગઈ હતી. થોડા સમય પહેલાં આ દીકરીઓનાં મા-બાપે મોટી દીકરીનાં લગ્ન માટે એક મુરતિયો પસંદ કર્યો હતો. સરકારી નોકરી કરતા યુવકમાં કોઈ વાંધો નહોતો, પરંતુ તેણે લગ્ન કરીને બીજી બે બહેનોને છોડીને સાસરે જવું પડે એમ હતું. આ વાત ત્રણેય બહેનોને મંજૂર નહોતી. આના સૉલ્યુશન તરીકે તેમણે એક જ છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને એ માટે તેમને ત્રણેયનો દોસ્ત એવો તેમનો કૅમેરામૅન ગમી ગયો. તેમનાં લગ્નમાં છોકરા-છોકરીના પરિવારજનો હાજર રહ્યા નહોતા. પોલીસે ગુરુવારે ચારેયની પૂછપરછ કરી એમાં પણ તેમણે સ્વીકાર્યું કે અમે બહેનો છૂટી થવા નથી માગતી એટલે મરજીથી એક યુવક સાથે લગ્ન કર્યાં છે. આ પછી તેમણે ૬ મિનિટનો વિડિયો પોસ્ટ કરીને ખુલાસો પણ આપ્યો છે. રાજપૂત ગર્લ્સ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમના પહેલેથી જ લાખો ફૉલોઅર્સ છે. બહેનોનું કહેવું હતું કે તેમણે એવા પરિવારની શોધ પણ કરી હતી જેમના ઘરમાં ત્રણ ભાઈઓ હોય, પણ એવું ક્યાંય સંભવ થઈ શક્યું નહીં. આખરે તેમણે કૅમેરામૅન વિકાસ સાથે લગ્ન કરી લીધાં. આ માટે તેમણે ત્રીજી અને સૌથી નાની બહેન ૧૮ વર્ષની થાય એની રાહ જોઈ હતી. 

offbeat news uttar pradesh indian national news