26 October, 2026 01:45 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
૪૦૦ ગ્રામ ચાંદીમાંથી શિલ્પકારે બનાવ્યું રફાલ
વારાણસીના એક જાણીતા શિલ્પકારે ચાંદી અને ગુલાબી મીનાકારીથી ફાઇટર જેટ વિમાન રફાલનું એક આકર્ષક મૉડલ તૈયાર કર્યું છે. ગુલાબી મીનાકારીના નૅશનલ અવૉર્ડવિજેતા કારીગર કુંજ બિહારી સિંહે આ અનોખી કલાકૃતિ બનાવી છે. આ લડાકુ વિમાનની પ્રતિકૃતિની કિંમત આશરે એક લાખ રૂપિયા અંકાઈ છે. આ મૉડલ સામે આવતાં જ દેશ-વિદેશમાંથી એને ખરીદવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે અને અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા ઑર્ડર મળી ચૂક્યા છે.
કારીગર કુંજ બિહારી સિંહનું કહેવું છે કે ‘આશરે ૬૦૦ ગ્રામ વજન ધરાવતા આ મૉડલમાં ૪૦૦ ગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના પર બારીક ગુલાબી મીનાકારી કરવામાં આવી છે. આખું મૉડલ તૈયાર થતાં એક મહિના જેટલો સમય લાગ્યો હતો. વિમાનની તસવીરો સોશ્યલ મીડિયા અને ગ્રાહકો સુધી પહોંચતાં જ અમેરિકાના કૅલિફૉર્નિયાથી તેમ જ ઑસ્ટ્રેલિયાથી પણ ડિમાન્ડ આવી છે. આ સફળતા સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) યોજનાની સુંદરતા દર્શાવે છે. અગાઉ તેમણે બ્રહ્મોસ મિસાઇલનું મૉડલ બનાવીને લોકપ્રિયતા મેળવી હતી.
એક સમયે ગુલાબી મીનાકારીની આ પ્રાચીન કલા બજારમાં યોગ્ય ભાવ અને ખરીદદારોના અભાવે લુપ્ત થવાની અણી પર પહોંચી ગઈ હતી. કામ અત્યંત બારીક હોવા છતાં યોગ્ય વળતર ન મળતાં નવી પેઢી આ વ્યવસાયમાં જોડાવા તૈયાર નહોતી અને કારીગરો અન્ય કામ તરફ વળી રહ્યા હતા. હવે પારંપરિક કળાને સમકાલીન વિષયો, સેનાના પરાક્રમ અને રાષ્ટ્રીય ઉપલબ્ધિઓ સાથે જોડીને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવતાં બનારસની આ ઐતિહાસિક ગુલાબી મીનાકારીને ફરી મોટું વૈશ્વિક બજાર અને ઓળખ મળી રહ્યાં છે.