વારાણસીના ઇનોવેશન મૅને બનાવ્યો ગ્રીન ન્યુક્લિયર બૉમ્બ, આ બૉમ્બ જ્યાં પડશે ત્યાં કરોડો વનસ્પતિઓ ઉગાડી દેશે

09 July, 2025 05:14 PM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

વિમાનમાંથી આ બૉમ્બને ધરતી પર નાખવામાં આવશે તો જ્યાં-જ્યાં એના અવશેષો પડશે ત્યાં ૧૦થી અધિક પ્રજાતિની એક કરોડથી વધુ બાયોન્યુટ્રિશન બીજથી ભરેલી કૅપ્સ્યુલ દૂર-દૂર સુધી ફેલાશે. આ બીજ જમીન અને હવાના સંપર્કમાં આવશે એટલે એમાંથી વનસ્પતિ ઊગવામાં મદદ થશે.

વારાણસીના શ્યામ ચૌરસિયાએ ગ્રીન ન્યુક્લિયર બૉમ્બ બનાવ્યો

વિશ્વભરમાં પરમાણુ બૉમ્બની અને એ બૉમ્બને કારણે થનારા ભયાનક વિનાશની વાતો થઈ રહી છે ત્યારે ફરી એક વાર કાશીમાંથી પૂરી દુનિયાને શાંતિ અને હરિયાળીનો સંદેશો આપવાનો પ્રયાસ થયો છે. વારાણસીના શ્યામ ચૌરસિયાએ ગ્રીન ન્યુક્લિયર બૉમ્બ બનાવ્યો છે જે ઘાતક નથી. એ વિનાશ નહીં, જીવન પ્રસરાવશે. પાંચ ફુટ લાંબો અને ૨૫ કિલો વજનનો આ બૉમ્બ એકસાથે કરોડો વનસ્પતિઓ ઉગાડવા માટે સક્ષમ છે એટલે એને ગ્રીન ન્યુક્લિયર બૉમ્બ નામ આપવામાં આવ્યું છે. વિમાનમાંથી આ બૉમ્બને ધરતી પર નાખવામાં આવશે તો જ્યાં-જ્યાં એના અવશેષો પડશે ત્યાં ૧૦થી અધિક પ્રજાતિની એક કરોડથી વધુ બાયોન્યુટ્રિશન બીજથી ભરેલી કૅપ્સ્યુલ દૂર-દૂર સુધી ફેલાશે. આ બીજ જમીન અને હવાના સંપર્કમાં આવશે એટલે એમાંથી વનસ્પતિ ઊગવામાં મદદ થશે.

આ ગ્રીન ન્યુક્લિયર બૉમ્બ બનાવનાર શ્યામ ચૌરસિયાને વારાણસીમાં ઇનોવેશન મૅન તરીકે ઓળખવામાં આવે છે. અનેક શોધો માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે. બે વર્ષના અથાગ પ્રયાસ બાદ તેને ગ્રીન ન્યુક્લિયર બૉમ્બ તૈયાર કરવામાં સફળતા મળી છે. એનું ફાઇબર અને મેટલમાંથી બનેલું બૉડી છે. આવા એક બૉમ્બને બનાવવાનો ખર્ચ ૧.૨૫ લાખ રૂપિયા જેટલો છે. વિમાનથી જ્યારે એને જમીન પર લૉન્ચ કરવો હોય ત્યારે બીજ ચોક્કસ રીતે અને ચોક્કસ જગ્યાએ વિખેરાય એ માટે ઇન્ટરનેટ દ્વારા ઑપરેટ થઈ શકે એમ છે. શ્યામ ચૌરસિયાએ આ બૉમ્બ બનાવવામાં ITM ગીડા ગોરખપુરના ઇનોવેશન વિભાગની પણ મદદ લીધી હતી.

varanasi environment national news uttar pradesh offbeat news