21 January, 2026 04:34 PM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
પાકિસ્તાનની ફરી એક વખત ફજેતી થઈ હોવાનું સામે આવ્યું છે. આ વખતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પણ તેમાં સામેલ થયા હોવાનું જોવા મળ્યું હતું. તો થયું એમ કે સિયાલકોટમાં તેમણે જે પિઝા હટ આઉટલેટનું ખૂબ જ ધામધૂમથી ઉદ્ઘાટન કર્યું હતું તે પાછળથી નકલી હોવાનું સામે આવ્યું હતું. પિઝા હટ કંપનીના એક સત્તાવાર નિવેદન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરી હતી, જેમાં આ આઉટલેટને સંપૂર્ણપણે અનધિકૃત જાહેર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં, ખ્વાજા આસિફ પિઝા હટ સ્ટોરના ઉદ્ઘાટન સમારોહમાં રિબન કાપતા જોવા મળ્યા હતા. ઉદ્ઘાટન સાથે યોગ્ય સાઇનબોર્ડ, બ્રાન્ડિંગ અને વ્યવસ્થાઓ હતી, જેનાથી તે એક સત્તાવાર પિઝા હટ આઉટલેટ છે એવું બધાને લાગ્યું. જોકે, ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે સ્ટોર પિઝા હટ માન્યતા પ્રાપ્ત નથી અને બધી જગ્યાએ પાકિસ્તાનની ફરી મજાક થઈ રહી છે.
પિઝા હટ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાનના સિયાલકોટમાં ખોલવામાં આવેલ આઉટલેટ અધિકૃત પિઝા હટ સ્ટોર નહોતો. કંપનીએ સ્પષ્ટતા કરી કે તેના ટ્રેડમાર્ક અને બ્રાન્ડ નામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ એ પણ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે આ છેતરપિંડી અંગે સંબંધિત અધિકારીઓ પાસે ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ ખ્વાજા આસિફની મજાક ઉડાવી રહ્યા છે. આ ઘટના વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં તેના પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા પાકિસ્તાની યુઝર્સે તેમને દેશની પ્રતિષ્ઠા સાથે જોડીને મજાક ઉડાવી. એક યુઝરે લખ્યું, "શું આ પ્રાંતમાં કંઈ સાચું બાકી છે?" બીજાએ લખ્યું, "બનાવટી દુકાન, નકલી ઉદ્ઘાટન, નકલી નેતા." કેટલાકે તેમને નકલી MNA પણ કહ્યા. પાકિસ્તાનમાં સાંસદોને MNA (રાષ્ટ્રીય સભાના સભ્યો) કહેવામાં આવે છે. અને માત્ર એક પિઝા હટ સ્ટોરના ઉદ્ઘાટન માટે દેશના મોટા નેતાને બોલાવવામાં આવે છે અને તે પણ ખોટું નીકળે તેવી ટીકા ભારતના યુઝર્સ કરી રહ્યા છે.
ખ્વાજા આસિફ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાર્ટી, PML-N સાથે સંકળાયેલા છે અને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફના નજીકના માનવામાં આવે છે. વિપક્ષ અને ટીકાકારોએ ઘણીવાર આરોપ લગાવ્યો છે કે તેમણે લશ્કરના સમર્થનથી ચૂંટણી જીતી હતી. આ એ જ નેતા છે જેમણે ભારત સાથે લશ્કરી તણાવ દરમિયાન દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઘણા ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા અને જ્યારે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે કહ્યું હતું કે પુરાવા સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.