29 August, 2025 06:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક વિચિત્ર ઘટના બની છે જોકે તેનાથી કેટલાક લોકો એકએકદમ ખુશખુશાલ થઈ ગયા હતા. તો થયું એમ કે એક વાંદરો બાઇકમાંથી પૈસાથી ભરેલી બૅગ લઈને ઝાડ પર ચઢી ગયો. ત્યારબાદ વાંદરાએ બૅગ ખોલી તેમથી પૈસા નીચે ફેંકવાનું શરૂ કર્યું, જેના કારણે લોકો પૈસા લેવા માટે ઝડપથી ભેગા થયા ત્યારે અરાજકતા સર્જાઈ ગઈ. આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 500 રૂપિયાની નોટો ઝાડ પરથી પડી રહી છે અને નીચે રહેલા લોકો પૈસા લેવા પડા પડી કરતાં જોવા મળ્યા હતા.
મંગળવારે બપોરે બિધુના તહસીલમાં આ વિચિત્ર ઘટના બની હતી. એવા અહેવાલો છે કે દોડાપુર ગામના રોહિતાશ ચાનરા તરીકે ઓળખાતા એક ખાનગી શિક્ષક પોતાના વકીલ સાથે નોંધણીની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે તહસીલ ઑફિસમાં આવ્યા હતા. બાઇકની ડીકીમાં એક બૅગ રાખી હતી જેમાં 80,000 રૂપિયા હતા. જ્યારે તેઓ દસ્તાવેજોમાં વ્યસ્ત હતા, ત્યારે વાંદરો બૅગ લઈને ઝાડ પર ચઢી ગયો.
વાંદરાએ ઝાડ પર ચઢ્યા પછી બૅગ તપાસી. જ્યારે વાંદરાને બૅગમાં કોઈ ખોરાક ન મળ્યો, ત્યારે તેણે નોટો હવામાં ફેંકવાનું શરૂ કર્યું. દરમિયાન સ્થળ પર હાજર લોકો પૈસા પડાવવા દોડી આવ્યા હતા. મૂંઝવણમાં, રોહિતાશે પોતાના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ ભીડની મદદથી તેને ફક્ત 52,000 રૂપિયા જ પાછા મળી શક્યા. બાકીના 28,000 રૂપિયા કાં તો ફાટી ગયા અથવા લોકો લઈ ગયા. ગ્રામજનો કહે છે કે આ વિસ્તાર ઘણા સમયથી વાંદરાઓની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. વાંદરાઓ ઘણીવાર બૅગ, કાગળો અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પણ છીનવી લે છે. તેઓ ક્યારેક દસ્તાવેજોને નુકસાન પહોંચાડે છે અને તહસીલ ઑફિસમાં આવતા લોકોને અસુવિધા પહોંચાડે છે અને કેટલીક વખત હુમલો કરવાની પણ ઘટના બની છે.
ચેન્નઈમાં ૨૮મા માળે રહે છે ગાય, ડૉગી સાથે છે એની મસ્ત દોસ્તી
આર્કિટેક્ચરલ ડિઝાઇનિંગનું કામ કરતી ચેન્નઈની તેજસ્વિની રંગન નામની યુવતીને થોડાક મહિના પહેલાં એક ઘાયલ પૂંગનુર ગાય રોડ પર મળી હતી. બિલાડી અને કૂતરા માટે અનોખો પ્રેમ ધરાવતી તેજસ્વિનીને જસ્ટ એકાદ મહિનાનું ટચૂકડું વાછરડું બહુ ગમી ગયું. જોકે તેનું ઘર ૨૮મા માળે હોવાથી ગાયને કેવી રીતે રાખવી એ સવાલ હતો. તેને થયું કે હજી તો બચ્ચું નાનું છે તો એ સાજું થાય ત્યાં સુધી રાખીએ અને પછી એને કોઈ કાઉ સેન્ટરમાં મોકલી દઈશું. પૂંગનુર ગાય ડ્વાર્ફ ગાયની પ્રજાતિ છે. એ પુખ્ત વયની થાય ત્યારે પણ સામાન્ય ગાયના વછેરાથી નાની સાઇઝની હોય છે. પેટ કાઉનું નામ રાખવામાં આવ્યું મિસ્ટર ઍલેક્સ. એના ચહેરાના હાવભાવ તામિલ ફિલ્મના એક કૅરૅક્ટર ઍલેક્સ જેવા દેખાતા હોવાથી તેજસ્વિનીએ એનું નામ ઍલેક્સ પાડ્યું છે. શરૂઆતનો એક મહિનો ઍક્લેસભાઈની સારવાર અને રિકવરીમાં ગયો. જોકે ત્યાં સુધીમાં એને ઘરમાં બીજાં પ્રાણીઓ સાથે એટલું ફાવી ગયું કે ન પૂછો વાત. હવે ઘરમાં જે પાળેલો ડૉગી છે એ અને ઍલેક્સ બન્ને સાથે બાલ્કનીમાં બેસીને ખાસ ગાય માટે મગાવેલું નેપિયર ઘાસ ચાવે છે.