03 November, 2025 05:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મંદિર, પહાડ કે ગુફામાં નહીં; ફુટ ઓવર બ્રિજની છત પર મેડિટેશન કરી શકે એ મહાયોગી
યોગ, ધ્યાન અને પોતાની જાત સાથે સમય વિતાવવાનું બહુ જરૂરી છે એવું નિષ્ણાતો કહે છે. જોકે ઘણાને સમય નથી મળતો તો મુંબઈ અને દિલ્હી જેવા ગીચ વિસ્તારોમાં માણસોને શાંત જગ્યા નથી મળતી જ્યાં યોગ અને ધ્યાન થઈ શકે. જોકે ખરો યોગી એ જ કહેવાય જે ગમે ત્યાં ધ્યાન લગાવી શકે. સોશ્યલ મીડિયામાં એક વિડિયો ફરી રહ્યો છે જે દેખીતી રીતે દિલ્હીનો જણાય છે. ભરચક રસ્તા પરથી પસાર થતા ફુટ ઓવર બ્રિજની છત પર એક યુવક પદમાસન અને યોગમુદ્રામાં ધ્યાન કરતો જોવા મળે છે. ભરતડકામાં ભાઈસાહેબ બ્રિજની અર્ધગોળાકાર છત પર ચડીને ધ્યાનમાં મગ્ન છે. ચોતરફ ટ્રાફિકનો અવાજ અને હૉર્ન વાગવાના અવાજો આવી રહ્યા છે, પણ ભાઈસાહેબ ધ્યાનમાં એવા મગ્ન છે કે તેમને કોઈ અસર નથી થતી. શાંત જગ્યામાં તો ધ્યાન અને યોગ બધા જ કરી શકે, પરંતુ ચોતરફ કોલાહલ હોવા છતાં આંતરિક શાંતિની ખોજમાં વ્યક્તિ સ્થિર થઈને બેસી શકે એ ખરેખર મહાયોગીની જ નિશાની છેને?