13 February, 2025 06:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગિફ્ટ્સ વિશે મુરતિયાએ ફરિયાદ કરી અને છોકરીના પપ્પાએ લગ્ન કૅન્સલ કરી નાખ્યાં
સરકારી નોકરી કરતી યુવતી તથા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC)ની પરીક્ષાની તૈયારી કરતા યુવકનાં ૧૦ દિવસ પછી લગ્ન નક્કી હતાં. કન્યાના પિતા તરફથી આપવામાં આવેલી ભેટો યુવકને ગમી નહોતી એટલે ભાવિ વરરાજાએ પોતાની ભાવિ પત્નીને વૉટ્સઍપ-ચૅટ દ્વારા ફરિયાદ કરી કે ખરાબ ગિફ્ટ્સ મોકલાવી છે, આના કરતાં ન મોકલાવી હોત તો સારું થાત, હું મારી રીતે લઈ લેત, આ ગિફ્ટ્સ તો કોઈને દેખાડવાલાયક પણ નથી અને અહીં ખોટી જગ્યા રોકે છે. કન્યાએ કહ્યું, એ માટે મારા પપ્પાને કહો. ગિફ્ટ માટેની નારાજગી વિશે જાણ્યા પછી કન્યાપક્ષે વરરાજાની માફી માગવાનો કે નવી ગિફ્ટ્સ મોકલવાનો વિચાર કરવાને બદલે તેની સાથે પોતાની દીકરી ન પરણાવવાનો નિર્ણય લીધો અને લગ્નને ૧૦ દિવસ બાકી હતા ત્યારે લગ્ન ફોક કરી નાખ્યાં.
ભાવિ વર અને વધૂ વચ્ચે લગ્નના ૧૦ દિવસ પહેલાંની આ વૉટ્સઍપ-ચૅટનો સ્ક્રીન-શૉટ રેડિટ નામના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કન્યાના કઝિન દ્વારા શૅર કરવામાં આવ્યો છે અને બધા આ નિર્ણયને સપોર્ટ કરી રહ્યા છે.