મધર ઇન્ડિયા’ની યાદ અપાવતાં લગ્ન: બળદગાડામાં વરરાજાનું આગમન અને કન્યાની વિદાય

24 June, 2021 09:53 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

પ્રકૃતિના રક્ષણનો સંદેશ આપવા પશુ-પક્ષીઓ, જીવ જંતુઓને પણ પરણાવતા હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું

બળદગાડામાં વરરાજાનું આગમન

તાજેતરમાં ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક લગ્નની જાન, લગ્નવિધિ, વિદાય વગેરે તમામ કાર્યક્રમો વર્ષ ૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં મુખ્ય પાત્રો (નર્ગિસ-રાજકુમાર)નાં લગ્નની યાદ અપાવે એ રીતે યોજાયા હતા. સમગ્ર આયોજનમાં લગ્ન કરાવનારા શિક્ષક મહાનુભાવનો પ્રકૃતિપ્રેમ છલકાતો હતો. બાંદાના નરેની તાલુકાના ખલારી ગામના શિક્ષક યશવંત પટેલ પર્યાવરણપ્રેમી છે. તેઓ પશુ-પક્ષીઓ સાથે સંવાદના પણ શોખીન છે. તેમનાં પત્ની સમુનલતા જિલ્લા પંચાયતનાં સભ્યપદે ચૂંટાયાં છે. યશવંત અનેક લગ્નો કરાવી ચૂક્યાં છે. તેઓ પ્રકૃતિના રક્ષણનો સંદેશ આપવા પશુ-પક્ષીઓ, જીવ જંતુઓને પણ પરણાવતા હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું. બાળપણમાં ગરીબીમાં ઉછેર પામેલા યશવંત અત્યાર સુધીમાં ગરીબ-અસહાય પરિવારોની ૧૪ કન્યાઓનાં લગ્ન કરાવી ચૂક્યા છે.

વંદના નામની કન્યાનાં માતા-પિતા અવસાન પામ્યાં હોવાથી તેનાં લગ્નની જવાબદારી યશવંત પટેલે લીધી હતી. એ કન્યાનાં લગ્ન મધ્ય પ્રદેશના છત્તરપુર સરબઈ પાસેના માલપુરના રહેવાસી કમલેશ સાથે નક્કી થયાં હતાં. ૧૬ જૂને જાન મંડપના દ્વારે પહોંચી ત્યારે જાનૈયા અને કન્યાપક્ષવાળા ચોંકી ઊઠ્યા હતા. જાન સાથે વરરાજા બળદગાડામાં આવ્યા હતા અને મંડપની સજાવટ પણ અલગ રીતે કરવામાં આવી હતી. વરરાજાને માથે ખજૂરનો મુકુટ હતો. બૅન્ડવાજાની જગ્યાએ મહિલાઓ ઢોલકની થાપ પર લગ્નગીતો ગાતી હતી. નાસ્તા-ભોજન માટે થાળી કે પ્લાસ્ટિકની પ્લેટો નહીં પણ મોટાં પાંદડાં અને બાજો-પડિયા વપરાતાં હતાં. માટીની કુલડીમાં ચા-પાણી અપાતાં હતાં. મંડપની સજાવટમાં પ્લાસ્ટિકનાં કે કૃ​ત્રિમ તોરણ વગેરેની જગ્યાએ વૃક્ષ-વેલા-છોડવા ગોઠવાયાં હતાં. કન્યાને વિદાય પણ બળદગાડામાં આપવામાં આવી હતી.

offbeat news national news uttar pradesh