૭૩ વર્ષની મહિલાના પેટમાંથી મળી સ્ટોન બેબી, શું આવું શક્ય છે?

30 June, 2025 01:42 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ અત્યંત રૅર બનતી ઘટના છે જેમાં ભ્રૂણ કૅલ્સિફાઇડ થઈને કડક પથ્થર જેવો થઈ જાય અને વર્ષો સુધી પેટમાં રહે અને એની ભનક સુધ્ધાં વ્યક્તિને ન આવે એવું શક્ય છે

૭૩ વર્ષની એક મહિલાના પેટમાંથી સ્ટોન બેબી મળી છે.

નૉન-ઍસ્થેટિક થિન્ગ્સ નામના અકાઉન્ટ પરથી સોશ્યલ મીડિયામાં CT સ્કૅનની કેટલીક તસવીરો શૅર કરીને એવું લખવામાં આવ્યું છે કે ૭૩ વર્ષની એક મહિલાના પેટમાંથી સ્ટોન બેબી મળી છે. યસ, સ્ટોન બેબી એટલી લિટરલી તમે એને પથ્થરનું કડક થઈ ગયેલું બાળક સમજી શકો છો. સ્વાભાવિક છે કે સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા આવા દાવા કેટલા સાચા હશે એના પર શંકા જરૂર જાય. શૅર કરવામાં આવેલી તસવીરો સાચી જ છે કે પછી એ ૭૩ વર્ષની મહિલાની જ છે એની ખરાઈ તો ન થઈ શકે, પરંતુ શું પેટમાં સ્ટોન બેબી બની જાય એવું શક્ય છે ખરું? આ સવાલનો જવાબ ફંફોસીએ તો મેડિકલ સાયન્સમાં એનો પુરાવો મળે છે. આ અત્યંત રૅર બનતી ઘટના છે જેમાં ભ્રૂણ કૅલ્સિફાઇડ થઈને કડક પથ્થર જેવો થઈ જાય અને વર્ષો સુધી પેટમાં રહે અને એની ભનક સુધ્ધાં વ્યક્તિને ન આવે એવું શક્ય છે. મેડિકલ વિશ્વમાં અત્યાર સુધીમાં આવા લગભગ ૩૦૦ જેટલા કેસ નોંધાયા છે. મોટા ભાગે આવા કેસ વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. કઈ રીતે એ સમજીએ. મેડિકલ વિજ્ઞાનમાં એને લિથોપેડિયન નામની રૅર મેડિકલ કન્ડિશન કહેવાય છે. એમાં ભ્રૂણ ગર્ભાશયને બદલે પેટમાં ડેવલપ થાય છે. ભ્રૂણ પ્રજનન માર્ગ અને ગર્ભાશયની કૅવિટી છોડીને પેટના ભાગના પોલાણમાં કઈ રીતે પહોંચે છે એ હજી સુધી સમજી નથી શકાયું, પણ જ્યારે આવું થાય ત્યારે ભ્રૂણ આપમેળે મરી જાય છે. એનું પહેલું કારણ એ કે પેટના પોલાણમાં પૂરતો બ્લડ-ફ્લો નથી હોતો એટલે ભ્રૂણ બચી નથી શકતો. વળી ત્યાંથી ભ્રૂણને બહાર કાઢવાનું શરીર માટે કુદરતી રીતે શક્ય નથી બનતું. એને કારણે બૉડી એને ફૉરેન ઑબ્જેક્ટ સમજીને સાઇડલાઇન કરી નાખે છે અને એ રોજિંદી કામગીરીમાં કનડે નહીં એ માટે એના પર કૅલ્સિફિકેશન થવા લાગે છે. ભ્રૂણ પર કડક પરત ચડી જતી હોવાથી એ પથ્થર જેવો કડક બની જાય છે એટલે એ સ્ટોન બેબી કહેવાય છે.

અમેરિકાના ઓહાયોમાં આવેલી યુનિવર્સિટી ઑફ ક્લીવલૅન્ડમાં ૮૨ વર્ષની એક કોલંબિયન મહિલાના પેટમાંથી ૪૦ વર્ષ જૂની સ્ટોન બેબી મળી આવી હતી. એક્સપર્ટ્‍સનું કહેવું છે કે આ પ્રકારના કેસ ત્યારે જ સામે આવે છે જ્યારે દરદીને કોઈ અન્ય કારણોસર પેટમાં દુખાવો થાય કે જલન થાય. મોટા ભાગે અન્ય સમસ્યાના નિદાન માટે એક્સ-રે કે સોનોગ્રાફી કરાવવામાં આવે ત્યારે પેટમાં વર્ષોથી પડી રહેલી સ્ટોન બેબીની ખબર પડે છે.

social media viral videos photos united states of america medical information news international news world news offbeat news