દીકરાને રેલવેમાં જૉબ મળતાં પિતાએ ખુશીમાં ઘરને જ ટ્રેન જેવું બનાવી દીધું

05 February, 2026 10:36 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

માત્ર પેઇન્ટિંગ જ રેલવેના મોનો કોચ જેવું છે. એમ છતાં આવતા-જતા લોકો માટે એ જોણું બની ગયું છે.

ભારતીય રેલવેના ટ્રેનના કોચની જેમ ઘરને રંગીને એમાં બારીઓ પણ પેઇન્ટ કરાવી હતી

માબાપ પોતાનાં સંતાનોની ખુશી માટે કંઈ પણ કરતાં અચકાતાં નથી. સંતાનો ભણે એ માટે ભોગ આપે છે અને સંતાનો નોકરીમાં સેટલ થઈ જાય એ માટે માનતાઓ પણ માને છે. એક પિતાએ દીકરાનું રેલવેમાં નોકરી મેળવવાનું સપનું પૂરું થતાં એની જે રીતે ખુશી મનાવી એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. રાજસ્થાનમાં એક યુવાનનું સપનું હતું કે તે ભારતીય રેલવેમાં નોકરી મેળવે. ભણ્યા પછી રેલવેમાં નોકરી માટે તેણે કેટલીયે પરીક્ષાઓ આપી. એમાં ઉત્તીર્ણ થયા પછી જ્યારે તેને ખરેખર નોકરી મળી ત્યારે પિતાએ આ ખુશીનો જશ્ન મનાવવા માટે માત્ર મીઠાઈઓ વહેંચી નહીં. તેમણે પોતાના ઘરની બહારનું પેઇન્ટ રેલવેના કોચ જેવું કરી નાખ્યું. મતલબ કે ઘરની બહારથી જ કોઈ પણ કહી શકે કે આ ઘરમાં રહેનાર વ્યક્તિ કાં તો ભારતીય રેલવેમાં કામ કરે છે કાં પછી રેલવેનો પ્રેમી છે. ભારતીય રેલવેના ટ્રેનના કોચની જેમ ઘરને રંગીને એમાં બારીઓ પણ પેઇન્ટ કરાવી હતી. સાથે જ જે બારી ખૂલી શકે એવી હતી એના પર ઇમર્જન્સી એક્ઝિટ પણ લખાવ્યું. બહારથી ઘર અદ્દલ એવું લાગે કે જાણે રેલવેનો કોચ જ છે. અલબત્ત, એની સાઇઝ અને બધું ડબ્બાના પ્રપ્રોર્શનમાં નહોતું. માત્ર પેઇન્ટિંગ જ રેલવેના મોનો કોચ જેવું છે. એમ છતાં આવતા-જતા લોકો માટે એ જોણું બની ગયું છે. માત્ર મોહલ્લાના લોકો જ નહીં, દૂર-દૂરથી પણ લોકો આ ઘર જોવા આવે છે અને દૂરથી જ એની સાથે ફોટો પણ ખેંચાવે છે.

offbeat news national news india indian railways