24 October, 2026 08:09 PM IST | China | Gujarati Mid-day Correspondent
જોરથી ભેટતાં પત્નીની પાંસળીઓ તૂટી
ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં રહેતા એક યુગલને પ્રેમભરી જપ્પી પણ ભારે પડી ગઈ. વાતવાતમાં પત્નીએ કહ્યું કે તેને ખૂબ ઠંડી લાગી રહી છે એટલે પતિ તેને હૂંફાળું આલિંગન આપવા માટે તેના તરફ આવ્યો અને ખૂબ જ વહાલથી તેને કસીને ભેટી પડ્યો અને એમ આલિંગન સાથે જ ઊંચકી લીધી. જોકે આલિંગની ભીંસ એટલી તીવ્ર હતી કે પત્નીની પાંસળીઓમાં કડાકા બોલી ગયા. પત્ની ચીસ પાડી ઊઠી. જોકે એ વખતે પણ પતિને લાગ્યું કે કદાચ પત્ની પણ એક્સાઇટ થઈ ગઈ છે. જોકે પતિએ જેવી ભીંસ ઢીલી કરી કે તરત જ પત્ની સંતુલન ગુમાવીને પીડાથી કરાંજતી નીચે બેસી ગઈ હતી. તીવ્ર પીડાને કારણે પતિ તેને લઈને હૉસ્પિટલ પહોંચ્યો તો ખબર પડી કે પત્નીની પાંચ પાંસળીઓમાં ફ્રૅક્ચર થયું છે.