13 October, 2026 03:47 PM IST | China | Gujarati Mid-day Correspondent
કૅન્સર થયું હોવાથી બધી બચત ખર્ચીને મહિલા ઍન્ટાર્કટિકાની ટ્રિપ પર નીકળી પડી
ચીનમાં રહેતી ૬૭ વર્ષની વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર વાંગ યિન્ગ નામની એક મહિલાને થાઇરૉઇડ ગ્રંથિમાં કૅન્સર થયું હોવાનું નિદાન થયું. આ કૅન્સરની ગાંઠ ખૂબ જ મોટી હતી એટલે તેણે થોડીક સારવાર શરૂ કરાવી, પરંતુ એ અસાધ્ય છે એવું ડૉક્ટરોએ કહ્યું. વાંગને થયું જો કૅન્સર મટવાનું નથી જ તો શા માટે છેલ્લા જે દિવસો બચ્યા છે એમાં જિંદગી જીવી ન લેવી? તેણે પેન્ગ્વિન સાથે ફોટો લેવાની ઇચ્છાને પૂરી કરવા માટે ઍન્ટાર્કટિકાની ટ્રિપ ગોઠવી નાખી. આ ટ્રિપ ખૂબ જ મોંઘી હતી, પણ બહેનને હતું કે હવે ક્યાં જીવવાનું છે? તેણે પોતાની મોટા ભાગની બચતમૂડી ખર્ચી નાખી.
થાઇરૉઇડના કૅન્સર માટે ડૉક્ટરોએ સર્જરી કરાવવાનું કહ્યું પણ વાંગ માની નહીં. તેણે વિચાર્યું કે જો મરવાનું જ હોય તો છેલ્લા દિવસો જંગલોમાં ગાળી આવવા જ્યાં તેને પ્રાણીઓની તસવીરો લેવાનો મોકો મળે. તેના બકેટ-લિસ્ટમાં ઍન્ટાર્કટિકાના પેન્ગ્વિનની તસવીરો પાડવાનું બાકી હતું. પોતાની ઇચ્છા પૂરી કરવા તે ઍન્ટાર્કટિકા પહોંચી. ત્યાં મહિના જેવો સમય ગાળ્યો અને મન ભરીને ફોટોગ્રાફી કરી. તેણે પોતાના જીવનકાળ દરમ્યાન ૧૨૦૦ પ્રકારનાં પંખીઓની તસવીરો લીધી હતી એનું કલેક્શન પણ તૈયાર કર્યું. બચત કરેલા લગભગ ૨૧ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા અને ઉપરથી તેણે પોતાની બહેન પાસેથી પૈસા પણ ઉધાર લીધા. ઍન્ટાર્કટિકાની ઠંડીમાં માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં રહ્યા પછી જ્યારે તે પાછી આવી ત્યારે તે હવે કોઈ પણ ક્ષણે મોતને આવકારવા મનથી તૈયાર હતી. જોકે જ્યારે તે ડૉક્ટરને મળવા ગઈ અને તેની ટેસ્ટ ફરીથી કરવામાં આવી તો ખબર પડી કે જે અસાધ્ય લાગતી હતી એ ગાંઠ આપમેળે ધીમી થઈ રહી છે અને દવા કરવાથી એની સારવાર શક્ય છે.