✕

ઝાંસીના એક ઘરના હૅન્ડ-પમ્પમાંથી પાણીને બદલે કાચો દારૂ નીકળ્યો

24 November, 2026 06:29 PM IST  |  Jhansi | Gujarati Mid-day Correspondent

ઝાંસીના એક ઘરના હૅન્ડ-પમ્પમાંથી પાણીને બદલે કાચો દારૂ નીકળ્યો, જમીનની નીચે ગેરકાનૂની દારૂની ટૅન્ક છુપાયેલી મળી

ઝાંસીના એક ઘરના હૅન્ડ-પમ્પમાંથી પાણીને બદલે કાચો દારૂ નીકળ્યો

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક્સાઇઝ ડ્યુટી વિભાગે કરેલી છાપામારીમાં એક ઘરના હૅન્ડ-પમ્પમાંથી પાણીને બદલે કાચો દારૂ નીકળતો પકડ્યો હતો. તપાસ કરી તો જમીનની નીચે ગેરકાનૂની દારૂનો જથ્થો સાચવતી ટૅન્ક મળી હતી. આ જુગાડની માસ્ટરમાઇન્ડ એક મહિલા હતી.

એક્સાઇઝ ડ્યુટીના ઑફિસરોને ટિપ મળી હતી કે એ વિસ્તારમાં ગેરકાનૂની રીતે દારૂની હેરાફેરી થાય છે. એ આખા વિસ્તારમાં દારૂના વેપારીઓનું ગાઢ નેટવર્ક હોવાનું કહેવાતું હતું, પણ તેમને કોઈ પુરાવા નહોતા મળી રહ્યા. જોકે ઑફિસરોને ઘરમાં આવેલા એક હૅન્ડ-પમ્પ પર શંકા ગઈ. તેમણે એ પમ્પ ચલાવ્યો તો જે પ્રવાહી નીકળ્યું એ પાણી નહીં, કાચો દારૂ હતો. જમીનમાંથી દારૂ કઈ રીતે નીકળે છે એ સમજવા એ વિસ્તારને ખોદાવવામાં આવતાં ખબર પડી કે ભૂગર્ભમાં દારૂનું ટૅન્કર જ બનાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ ૪૩૦૦ લિટર દારૂ નષ્ટ કર્યો હતો અને એક મહિલા આરોપીની ધરપકડ કરી હતી.

uttar pradesh Jhansi offbeat news national news india Bharat