19 November, 2026 01:25 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ઊંઘ માટે પોલીસમાં ફરિયાદ
મધ્ય પ્રદેશના શિવપુરીમાં રહેતી એક મહિલા રવિવારે રાતે ૧ વાગ્યે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જઈ પહોંચી હતી. રાતના સમયે કોઈ મહિલા પોલીસ-સ્ટેશન પહોંચે એટલે મામલો કંઈક ગંભીર હોય એવો વિચાર આવવો સ્વાભાવિક છે, પરંતુ આ બહેનની સમસ્યા કંઈક જુદી જ હતી. બહેને પોલીસ-ઇન્સ્પેક્ટરને કહ્યું કે મને ઊંઘ નથી આવતી, મારી ફરિયાદ લખો. પોલીસે પૂછ્યું, બોલો ફરિયાદ શું છે? તો બહેન કહે, મને ઊંઘ નથી આવતી એ ફરિયાદ છે. પોલીસે વાત ટાળી તો બહેન અકળાઈ ગયાં અને કહે, ‘મને છેલ્લા ૧૦ દિવસથી રાતે ઊંઘ નથી આવતી એટલે સરકારી હેલ્પલાઇનમાં મદદ માગેલી, પણ હજી સુધી કોઈ સમાધાન મળ્યું નથી. તમે સરકારી હેલ્પલાઇન સામે ફરિયાદ લખો.’
ખૂબ શાંતિથી સમજાવવા છતાં બહેન માન્યાં નહીં એટલે પોલીસે આખરે તેમના પરિવારજનોને પોલીસ-સ્ટેશને બોલાવ્યા. શિવપુરી પોલીસે સોશ્યલ મીડિયા પર આ વિચિત્ર અનુભવ શૅર કર્યો હતો.