02 August, 2026 12:52 PM IST | Morena | Gujarati Mid-day Correspondent
રસ્તામાં બેહોશ થઈ ગયેલી મહિલાને લોકોએ એટલું CPR આપ્યું કે તેની પાંસળી તૂટી ગઈ
મધ્ય પ્રદેશના મુરૈના શહેરમાં એક સ્કૂલ-ટીચર સ્કૂટી પર જઈ રહી હતી ત્યારે તેને રસ્તામાં ચક્કર આવતાં બેહોશ થઈ ગઈ હતી. રસ્તા પર પડી ગયેલી હોવાથી લોકો સમજ્યા કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. હાર્ટ-અટૅકમાં તરત જ જો કાર્ડિયોપલ્મનરી રીસસિટેશન (CPR) આપવામાં આવે તો માણસ બચી જઈ શકે છે. આ બાબતે હવે આમજનતામાં પણ જાગૃતિ આવવા લાગી છે એટલે બેભાન મહિલાને ભાનમાં લાવવા માટે રાહદારીઓએ તેને CPR આપવાનું શરૂ કર્યું. એમાં ચેસ્ટ પર બે હાથની હથેળીઓ ભેગી કરીને દબાણ આપવાનું હોય છે જેથી પ્રેશર આવતાં બંધ પડી ગયેલું હૃદય ફરી ધબકવાનું શરૂ થઈ શકે છે. રાહદારીઓએ જ્યાં સુધી મહિલા હૉસ્પિટલ ન પહોંચી ત્યાં સુધી સતત CPR આપ્યા જ કર્યું હતું. હૉસ્પિટલ પહોંચ્યા પછી જ્યારે ડૉક્ટરે મહિલાને તપાસી તો ખબર પડી કે મહિલાનું બ્લડપ્રેશર લો થઈ જવાને કારણે તેને તમ્મર આવી ગયેલાં, તેને હાર્ટ-અટૅક હતો જ નહીં. ઊલટાનું વધુપડતું જોરથી CPR આપવાથી મહિલાની બે પાંસળીઓ તૂટી ગઈ હતી.