પપ્પા મારા શબને હાથ ન લગાડે

25 April, 2026 02:00 PM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

વારંવાર અપમાનિત કરતા ‌પિતાથી તંગ આવીને યુવાન વકીલે સુસાઇડ કર્યું, સુસાઇડ-નોટમાં અંતિમ ઇચ્છા લખી હતી...

પ્રિયાંશુએ ગુરુવારે બપોરે સાડાત્રણ વાગ્યે કાનપુરની કોર્ટના પાંચમા માળેથી છલાંગ લગાવી હતી

કાનપુરની સરકારી કચેરીમાં પાંચમા માળેથી છલાંગ લગાવીને વકીલ પ્રિયાંશુ શ્રીવાસ્તવે સુસાઇડ કર્યું હતું. આ પગલું લેતાં પહેલાં તેણે બે પાનાંની સુસાઇડ-નોટ લખી હતી. એમાં તેણે લખેલી અંતિમ ઇચ્છા ભલભલાને ઝંઝોળી નાખે એવી હતી. પિતા રાજેન્દ્ર કુમાર તેને ખૂબ વઢતા હતા અને વારંવાર નિર્વસ્ત્ર કરીને ઘરેથી કાઢી મૂકવાની ધમકી તેને જીવનભર સતાવતી રહી હતી એનો ઉલ્લેખ કર્યો છે. ૨૪ વર્ષની ઉંમરે સુસાઇડ કરનારા પ્રિયાંશુએ ૨૦૨૫માં જ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાળપણમાં છ વર્ષની ઉંમરે ચોરીછૂપીથી ફ્રિજમાં રાખેલો મૅન્ગોશેક પી લીધો ત્યારે પિતાએ તેને નિર્વસ્ત્ર કરીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. આ શરમિંદગી પ્રિયાંશુના મનમાં એવી પેસી ગઈ કે મોટા થયા પછી પણ તે ભૂલી શક્યો નહીં. ભણવા માટે દબાણ કરવું, પૂરી તૈયારી ન હોય તો મારપીટ કરવી એ તો ઠીક હતું, પરંતુ હંમેશાં મને શકની નજરે જ પિતા જોતા અને દરેક મિનિટનો હિસાબ માગતા એ માનસિક ટૉર્ચર છે. પિતાનું ટૉર્ચર એ હદનું હતું કે ડર નફરતમાં ફેલાઈ ગયો. પિતાએ નવમા ધોરણમાં ધાર્યા કરતાં ઓછા માર્ક આવવા પર ફરીથી ઘરેથી નિર્વસ્ત્ર કરીને કાઢી મૂકવાની ધમકી આપતાં તેને ન ગમતા વિષયો પસંદ કરીને આગળનું ભણતર કરવું પડ્યું. હાઈ સ્કૂલમાં તેને ઓછા માર્ક આવતાં તે પોતે જ ઘર છોડીને મથુરા જતો રહ્યો હતો. બાળપણમાં કરેલી એક રૂપિયાની ચોરી માટે પિતાએ બધાની સામે તેનું અપમાન કર્યું હતું એ પણ પ્રિયાંશુ ભૂલી નહોતો શકતો. પ્રિયાંશુ નોટમાં લખે છે, ‘પિતાને ઘરખર્ચમાં મદદ કરી શકું એટલા માટે ભણવાની સાથે ટ્યુશન પણ કર્યાં. ઑનલાઇન કામ કરીને પિતાને મોબાઇલ અને બહેનને ફોન અને સ્કૂટી અપાવી. એ પછી પણ પિતા મને શારીરિક રીતે નબળો કહેતા. મને કોનો ફોન આવ્યો, હું ક્યાં જાઉં છું એ બધું જ મિનિટવાર તેમને કહેવું પડતું. ગુરુવારે પિતાએ મોહલ્લામાં બધાની સામે મને અપમાનિત કર્યો. બસ, હવે જીવવાની ઇચ્છા ખતમ થઈ ગઈ. પપ્પા તમે જીતી ગયા. તમને જીત મુબારક. આટલાં બંધનો અને અપમાન સાથે હું નહીં જીવી શકું. પિતા પર કોઈ કાર્યવાહી ન કરતા. બસ, અંતિમ ઇચ્છા છે કે પપ્પા મારા શબને હાથ ન લગાવે.’

પ્રિયાંશુએ ગુરુવારે બપોરે સાડાત્રણ વાગ્યે કાનપુરની કોર્ટના પાંચમા માળેથી છલાંગ લગાવી હતી. એ પહેલાં જ તેણે વૉટ્સઅપ સ્ટેટસ પર સુસાઇડ-નોટ લગાવી દીધી હતી.  

kanpur uttar pradesh offbeat news national news