17 December, 2025 02:17 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
યુવકના પૅન્ટના આગળના ખિસ્સામાં મોબાઇલ અને બૅન્કનું ATM કાર્ડ હતું જેને કારણે ગોળી તેના શરીરમાં ઘૂસી જ ન શકી
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ધોળા દિવસે એક યુવક પર કેટલાક બુરખાધારી લોકોએ ફાયરિંગ કર્યું હતું. બ્લૅક રંગના સ્કૂટર પર સવાર બે બદમાશોએ એક યુવકને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું અને ત્યાંથી ભાગી ગયા. જોકે રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાચી પડી. બંદૂકધારીઓએ તેના પેટમાં ગોળી મારી હતી, પરંતુ નિશાન ચુકાઈને ગોળી પગના આગળના ભાગમાં વાગી હતી. જોકે યુવકના પૅન્ટના આગળના ખિસ્સામાં મોબાઇલ અને બૅન્કનું ATM કાર્ડ હતું જેને કારણે ગોળી તેના શરીરમાં ઘૂસી જ ન શકી. ગોળી ખૂબ નજીકથી મારવામાં આવી હોવાથી મોબાઇલ અને કાર્ડ તૂટીને પગમાં ઘા થયો, પરંતુ એ ખૂબ જ ઉપરછલ્લો હતો. ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકોને થયું કે યુવક ગંભીર રીતે ઘાયલ થશે, પરંતુ ઊલટાનું તેને તો ખબર પણ નહોતી પડી કે તેને ગોળી વાગી છે. તરત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આસપાસની દુકાનોની બહાર લાગેલા કૅમેરા તપાસીને પુષ્ટિ કરી હતી કે આ યુવકને નિશાન બનાવીને જ બુકાનીધારીઓએ ફાયરિંગ કર્યું હતું.