23 December, 2025 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આૅનલાઇન ઑર્ડર કરેલી કેક પર વ્યક્તિના નામને બદલે લખાયું લીવ ઍટ સિક્યૉરિટી
ઑનલાઇન કેક ઑર્ડર કરીને કોઈકને તાત્કાલિક સરપ્રાઇઝ આપવાનું વિચારતા હો ત્યારે ઝટપટ ફૂડ ડિલિવરી સર્વિસ પ્લૅટફૉર્મ્સ બહુ કામ આવે છે. જોકે ઑનલાઇન ઑર્ડરમાં ગરબડ થવાની શક્યતાઓ તો છે જ. નક્ષત્રા નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક મહિલાએ ઝોમાટો પરથી કેક મગાવવા જતાં તેની કેવી ફજેતી થઈ હતી એનો કિસ્સો શૅર કર્યો છે. તેણે લખ્યું હતું કે ‘મારો બર્થ-ડે હોવાથી બહેનપણીઓએ મારા માટે ઝોમાટો પરથી કેક મોકલીને સરપ્રાઇઝ આપી હતી. જોકે જ્યારે કેક ખોલી ત્યારે કંઈક જુદી જ સરપ્રાઇઝ મળી હતી. ઑર્ડર કરતી વખતે ફ્રેન્ડે ડિલિવરી માટેનું ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું એ કેકવાળાએ કેકની ઉપર લખી નાખ્યું હતું. કેક પર હેપી બર્થ-ડેની વિશ લખવાને બદલે leave at security સૂચના લખી હતી.’
મહિલા આ અનોખી ઇન્સ્ટ્રક્શન લખેલી કેક લઈને વિચિત્ર એક્સપ્રેશન આપીને ઊભી છે અને તેમની બહેનપણીઓ ખડખડાટ હસી રહી છે. આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ પોતાની સાથે કેવાં-કેવાં બ્લન્ડર્સ થયાં હતાં એના અનુભવ શૅર કર્યા હતા.