૧૦ દેશ સામે સદી સાથે હોપે કરી વિરાટ-ગેઇલની બરાબરી

20 November, 2025 12:50 PM IST  |  Napier | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન કૅપ્ટને ન્યુ ઝીલૅન્ડ સામે ૬૬ બૉલમાં સેન્ચુરી ફટકારી, પણ ટીમને મૅચ અને સિરીઝ-હારથી ન બચાવી શક્યો

શાઇ હોપ

નૅપિયરમાં ગઈ બીજી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને પાંચ વિકેટે હરાવીને ૩ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ લઈ લીધી હતી. વરસાદને લીધે ૩૪ ઓવરની કરવામાં આવેલી આ મૅચમાં કૅપ્ટન શાઇ હોપની ૬૬ બૉલમાં સેન્ચુરી અને ૬૯ બૉલમાં ચાર સિક્સર અને ૧૩ ફોર સાથે અણનમ ૧૦૯ રનની રેકૉર્ડબ્રેક ઇનિંગ્સના જોરે ૯ વિકેટે ૨૪૭ રન બનાવ્યા હતા. કિવી ટીમે ૩૩.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મૅચ હારવા છતાં હોપને તેની લાજવાબ ઇનિંગ્સ બદલ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે શનિવારે છેલ્લી અને ત્રીજી વન-ડે રમાશે. 

બ્રાયન લારાને પાછળ પાડ્યો

હોપની વન-ડે કરીઅરની આ ૧૯મી અને ન્યુ ઝીલૅન્ડમાં પ્રથમ સેન્ચુરી હતી. આ સાથે તેણે વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલના ૧૦ દેશ સામે સેન્ચુરી ફટકારવાના કારનામાની બરાબરી કરી લીધી હતી. આ મામલે સચિન તેન્ડુલકર અને સનથ જયસૂર્યા ૧૨-૧૨ દેશ સામે સેન્ચુરી સાથે ટૉપમાં છે. આ કમાલની ઇનિંગ્સ દરમ્યાન તેણે વન-ડે કરીઅરમાં ૬૦૦૦ રનનો માઇલસ્ટોન પણ પાર કરી લીધો હતો. તેણે માત્ર ૧૪૨ ઇનિંગ્સમાં આ કારનામું કરી લીધું હતું. કૅરિબિયન ખેલાડીઓમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવવાની યાદીએ બ્રાયન લારાને પાછળ પાડી દીધો છે. લારાએ ૧૫૫ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન બનાવ્યા હતા. આ મામલે વિ​વિયન રિચર્ડ્સ ૧૪૧ ઇનિંગ્સ સાથે ટૉપમાં છે.

west indies one day international odi cricket news sports sports news