19 November, 2026 09:36 AM IST | South Africa | Gujarati Mid-day Correspondent
૨૦૧૮ની આૅસ્ટ્રેલિયન ટેસ્ટ-ટીમ
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે એ ૨૦૧૮ના સાઉથ આફ્રિકા ટૂરમાં સામેલ પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફ માટે એક સ્વતંત્ર પ્લૅટફૉર્મ બનાવશે જેથી તેઓ આ ઘટના વિશે સંપૂર્ણ ગુપ્તતામાં પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકે. નવું પ્લૅટફૉર્મ ‘સર્કિટ બ્રેકર’ તરીકે કાર્ય કરશે અને બૉલ-ટૅમ્પરિંગ કાંડમાં નવી તપાસ શરૂ કરવાનું માધ્યમ રહેશે નહીં.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર ઉસ્માન ખ્વાજાએ પોતાના નવા પુસ્તક ‘સબ્ર’માં ખુલાસો કર્યો હતો કે બૉલ-ટૅમ્પરિંગના સમગ્ર ષડ્યંત્ર વિશે ઑસ્ટ્રેલિયન ટીમના તમામ સભ્યોને પહેલેથી જ પૂરી જાણ હતી. પૅટ કમિન્સ સહિતના એ ટીમના અન્ય પ્લેયર્સે આ દાવાઓને નકારી કાઢ્યા છે.
આ વિવાદ બાદ તત્કાલીન કૅપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટ પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. ડેવિડ વૉર્નર પછી કૅમરન બૅનક્રૉફ્ટે પણ આ વાત સ્વીકારતાં કહ્યું છે કે ‘તપાસ દરમ્યાન મારી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે મેં સંપૂર્ણ અને સત્યપૂર્ણ નિવેદન આપ્યું નહોતું. આખી ટીમ આ વસ્તુ જાણતી હતી.’