01 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર, આકાશ ચોપડા
IPL અને ઇન્ટરનૅશનલ મૅચ દરમ્યાન કૉમેન્ટરી બૉક્સમાં ધૂમ મચાવતા કૉમેન્ટેટર આકાશ ચોપડાએ હેડ કોચ ગૌતમ ગંભીર અંગે મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘વાઇટ બૉલ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા સારું પ્રદર્શન કરી રહી છે, પણ ટેસ્ટ-ક્રિકેટમાં પ્રદર્શનને લઈને પ્રશ્નો ઊઠશે જ. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ઘણું પ્રેશર છે અને એ સારી ન જાય તો સવાલો ઊઠશે જ.’
આકાશ ચોપડા કહે છે, ‘તેઓ ક્યાં જઈ રહ્યા છે અને શું કરી રહ્યા છે? કારણ કે ટીમ મૅનેજમેન્ટ જે કંઈ માગી રહ્યું છે એ આપવામાં આવી રહ્યું છે. તમે જે પ્રકારના પ્લેયર્સ ઇચ્છો છો અને જે પ્લેયર્સ તરફ તમે ઇશારો કરી રહ્યા છો તે તેમને આપવામાં આવી રહ્યા છે. તેથી જો એવું હોય તો તમારે રિઝલ્ટ આપવાની જરૂર છે બસ. કોઈ બહાનું નહીં.’
ગંભીરના કોચિંગ હેઠળ ભારત ૧૧માંથી માત્ર ૩ મૅચ જીતી શક્યું છે, ૭ મૅચમાં હાર મળી છે અને એક મૅચ ડ્રૉ રહી છે.
આકાશ ચોપડાએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ‘મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામનો ઇંગ્લૅન્ડ પર
સતત ખોફ રાખવો જોઈતો હતો. તે ૩ ટેસ્ટ-મૅચ જ રમશે એવી જાહેરાત કરવાની શું જરૂર હતી?’
આકાશ ચોપડાએ ટીમમાં સંતુલનના અભાવની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભારતના નીચલા ક્રમમાં બૅટનો ફાળો નથી જે આધુનિક ટેસ્ટ-ક્રિકેટમાં બોજરૂપ વાત છે.