વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમનું ભવિષ્ય નક્કી કરશે શ્રીલંકા સામેની સિરીઝ : આકાશ ચોપડા

06 August, 2026 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચમા ક્રમાંકે સ્ટ્રગલ કરી રહેલી ટીમ ઇન્ડિયાએ લંકનોને બન્ને ટેસ્ટમાં હરાવવા જરૂરી

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમનું ભવિષ્ય નક્કી કરશે શ્રીલંકા સામેની સિરીઝ : આકાશ ચોપડા

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં ૯ મૅચોમાંથી ૪ જીત અને ૪ હાર સાથે ૪૮.૧૫ની ટકાવારી સાથે પાંચમા સ્થાને છે. હવે તેઓ ૧૫ ઑગસ્ટથી શ્રીલંકામાં બે 
ટેસ્ટ-મૅચની સિરીઝ માટે પહોંચી ગયા છે અને પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર આકાશ ચોપડાને લાગે છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી છે અને ફાઇનલ માટેની દાવેદારી જાળવી રાખવી હશે તો શ્રીલંકા સામેની સિરીઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે અને બન્ને ટેસ્ટ-મૅચ જીતવી જરૂરી છે. 
એક યુટ્યુબ ચૅનલ પરના શો દરમ્યાન આકાશ ચોપડાએ શ્રીલંકા સામેની સિરીઝનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું ‘જો આપણે આ સિરીઝમાં ક્લીન સ્વીપ કરીશું તો આપણને થોડો ફાયદો થશે. જો આપણે આ સિરીઝ ૨-૦થી જીતીશું તો આપણે ૫૭.૫૮ ટકાવારી પૉઇન્ટ પર પહોંચી જઈશું, પરંતુ જો સિરીઝ ૧-૧થી ડ્રૉ થશે તો આપણને કોઈ ફાયદો નહીં થાય, કારણ કે આપણે ૪૮.૪૮ની ટકાવારી પર હોઈશું અને શ્રીલંકા ૪૪.૪૪ ટકાવારી પર રહેશે અને પરિસ્થિતિ અત્યાર જેવી જ રહેશે. જો આપણે ૨-૦થી હારી જઈશું તો આપણે માત્ર ૩૯ની ટકાવારી પર રહી જઈશું અને શ્રીલંકા ૬૧ની ટકાવારી સાથે ચોથા નંબરે પહોંચી જશે અને તેઓ રેસમાં આવી જશે. પછી તેમની પાસે આગળ વધવાની વાસ્તવિક તક હશે.’
આકાશ ચોપડાને શ્રીલંકા સામેની સિરીઝ એટલા માટે મહત્ત્વની લાગે છે કે ત્યાર બાદ ભારતે ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમનો સામનો કરવાનો છે. ભારત ઑક્ટોબર-નવેમ્બરમાં બે ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ન્યુ ઝીલૅન્ડ જશે અને આવતા વર્ષે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા ભારતમાં પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમવા આવશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં હાલમાં ૮૭.૫૦ની ટકાવારી સાથે ઑસ્ટ્રેલિયા નંબર વન છે અને ૭૨.૨૨ની ટકાવારી સાથે ન્યુ ઝીલૅન્ડ સાઉથ આફ્રિકા બાદ ત્રીજા નંબરે છે. 

shubman gill indian cricket team team india world test championship sri lanka new zealand australia cricket news sports news sports