15 December, 2025 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતની મેન્સ વન-ડે અન્ડર-19 ટીમ
મેન્સ વન-ડે અન્ડર-19 એશિયા કપમાં ગઈ કાલે ગ્રુપ-સ્ટેજ મૅચમાં પાકિસ્તાનને ભારત સામે ૯૦ રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈમાં ભારત ૪૬.૧ ઓવરમાં ૨૪૦ રને ઑલઆઉટ થયું હતું. જવાબમાં પાકિસ્તાન ૪૧.૨ ઓવરમાં ૧૫૦ રને ખખડી ગયું હતું. ગ્રુપ Aમાં સતત બે જીત સાથે ભારત સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થનાર ટુર્નામેન્ટની પહેલી ટીમ બની છે. ભારતની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ ૧૬ ડિસેમ્બરે મલેશિયા સામે છે.
૩૮ રન કરીને આયુષ મ્હાત્રે અને પાંચ રન કરીને વૈભવ સૂર્યવંશી ૭૮ રનની અંદર આઉટ થઈ ગયા હતા. ત્રીજા ક્રમના બૅટર ઍરોન જ્યૉર્જે ૮૮ બૉલમાં ૧૨ ફોર અને એક સિક્સરના આધારે ૮૫ રન કરીને ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. સાતમા ક્રમે રમીને ઑલરાઉન્ડર કનિષ્ક ચૌહાણે બે ફોર અને ૩ સિક્સરની મદદથી ૪૬ બૉલમાં ૪૬ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.
૩-૩ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર્સ દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણના તરખાટને કારણે પાકિસ્તાન ૨૪ ઓવરમાં ૭૭ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુવામી ચૂક્યું હતું. પાકિસ્તાન માટે છઠ્ઠા ક્રમે રમનાર હુઝૈફા અહસાને ૯ ફોર અને બે સિક્સરના આધારે ૮૩ બૉલમાં ૭૦ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. તેને કૅચઆઉટ કરનાર વૈભવ સૂર્યવંશીએ પોતાની એકમાત્ર ઓવરમાં ૬ રન આપીને પાકિસ્તાની કૅપ્ટન ફરહાન યુસુફને પણ આઉટ કર્યો હતો.
ભારતે પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાની નીતિ ચાલુ રાખી
રવિવારે દુબઈમાં ICC ક્રિકેટ ઍકૅડેમી ખાતે પાકિસ્તાન સામે અન્ડર-19 એશિયા કપ મૅચ દરમ્યાન ભારતે પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાની નીતિ ચાલુ રાખી હતી. અહેવાલો અનુસાર ICCએ ભારતને અન્ડર-19 મૅચોમાં હાથ ન મિલાવવાના વલણને તોડવાની અપીલ કરી હતી. ટૉસ હાર્યા બાદ ભારત મૅચમાં પ્રથમ બૅટિંગ કરવા ઊતર્યું, પણ ટૉસ દરમ્યાન પણ કૅપ્ટન્સે હાથ મિલાવ્યા નહોતા. આ વર્ષે સિનિયર મેન્સ-વિમેન્સ અને બ્લાઇન્ડ મહિલા ટીમની મૅચોમાં ભારતે પાકિસ્તાનને માત આપી અજેય અભિયાન જાળવી રાખ્યું હતું. આ વર્ષે ભારતને ઇન્ડિયા A લેવલની એકમાત્ર મૅચમાં જ પાકિસ્તાન સામે હાર મળી હતી.