T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં ન્યુ ઝીલૅન્ડને ચોકર્સનો ટૅગ આપવાની ધમકી આપી ડેલ સ્ટેને

08 March, 2026 09:12 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૨૦૦૦માં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી ન્યુ ઝીલૅન્ડ ૮ ICC ફાઇનલમાં પહોંચ્યું છે, પરંતુ ફક્ત એક જ જીત્યું છે. ૨૦૨૧માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં કિવીઓએ ભારતને માત આપી હતી.

યુટ્યુબ શોમાં ન્યુ ઝીલૅન્ડ ટીમ વિશે ચર્ચા કરતા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર્સ એ.બી. ડિવિલિયર્સ અને ડેલ સ્ટેન.

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ પહેલાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર્સ એ.બી. ડિવિલિયર્સ અને ડેલ સ્ટેને યુટ્યુબ શોમાં રસપ્રદ ચર્ચા કરી હતી. ભૂતપૂર્વ પેસ બોલર ડેલ સ્ટેને કહ્યું હતું કે ‘બધાને સાઉથ આફ્રિકાને ચોકર કહેવાનું ગમે છે, પણ ન્યુ ઝીલૅન્ડે પોતે ઘણા વર્લ્ડ કપ જીત્યા નથી અને તેઓ આપણા કરતાં વધુ ફાઇનલ રમવા ગયા છે.’ ડેલ સ્ટેને વધુમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડ ફાઇનલ મૅચ હારશે તો હું તેમને ઔપચારિક રીતે ચોકર્સનો ટૅગ આપીશ. મને ન્યુ ઝીલૅન્ડ ગમે છે, પરંતુ તેઓ ભારતને હરાવી નહીં શકે.’ ૨૦૦૦માં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી ન્યુ ઝીલૅન્ડ ૮ ICC ફાઇનલમાં પહોંચ્યું છે, પરંતુ ફક્ત એક જ જીત્યું છે. ૨૦૨૧માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં કિવીઓએ ભારતને માત આપી હતી.

મને ન્યુ ઝીલૅન્ડ ટીમથી નફરત છે : એ.બી. ડિવિલિયર્સ

એ.બી. ડિવિલિયર્સે ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ-સફર પર પોતાનો અભિપ્રાય આપતાં ૨૦૧૫ના વન-ડે વર્લ્ડ કપ ફાઇનલને યાદ કરી જ્યાં એને ઑસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. એ પહેલાં સેમી-ફાઇનલ મૅચમાં ન્યુ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને માત આપીને ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરી હતી. એ હાર બાદ એ.બી. ડિવિલિયર્સ સહિતના સાઉથ આફ્રિકન પ્લેયર્સના રડતા ચહેરાના વિડિયો વાઇરલ થયા હતા. ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘મને ન્યુ ઝીલૅન્ડ ટીમથી નફરત છે. ૨૦૧૫માં તેઓ ફાઇનલમાં ક્યારેય ઑસ્ટ્રેલિયાને હરાવી શક્યા જ નહોતા. ફક્ત એક જ ટીમ હતી જે ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયાને હરાવવાની હતી અને એ હતી સાઉથ આફ્રિકા.’ 

new zealand south africa indian cricket team t20 world cup sports news sports cricket news