04 October, 2026 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
અભિષેક શર્માએ શનિવારે પાકિસ્તાન સામેની ગોલ્ડ મેડલ મૅચમાં ૬૧ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને બે ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે કરી છે.
ડાબોડી બેટર અભિષેકે માત્ર ૨૮ બૉલમાં ૭ સિક્સર અને ૩ ચોગ્ગાની મદદથી ૬૧ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. આ તોફાની રમત દરમ્યાન તેણે T20 ક્રિકેટમાં પોતાની ૪૦૦ સિક્સર પૂરી કરી હતી અને ક્રિસ ગેઇલ જેવા દિગ્ગજ ખેલાડીને પાછળ છોડી દીધો હતો. રમેલા બોલના આધારે T20 ફૉર્મેટમાં ૪૦૦ સિક્સર ફટકારનારો તે વિશ્વનો બીજો સૌથી ઝડપી બૅટર બની ગયો છે.
અભિષેકે ૪૦૦ સિક્સરનો આંકડો વટાવવા માટે માત્ર ૩૫૧૩ બૉલ રમ્યા છે, જ્યારે આ સિદ્ધિ માટે ક્રિસ ગેઇલે ૩૫૫૭ બોલ લીધા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આન્દ્રે રસેલ ૩૦૨૭ બૉલ સાથે સૌથી ઝડપી ૪૦૦ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ ધરાવે છે.
૩૦૨૭ - આન્દ્રે રસેલ
૩૫૧૩ - અભિષેક શર્મા
૩૫૫૭ - ક્રિસ ગેઇલ
૩૮૦૩ - ટિમ ડેવિડ
૩૯૪૪ - કાયરન પોલાર્ડ
૪૦૪૫ - નિકોલસ પૂરન
૪૦૭૨ - એવિન લુઇસ
આ શાનદાર ઇનિંગ્સ દરમ્યાન અભિષેક શર્માએ ૨૦૨૬માં પોતાની ૧૦૦ T20 સિક્સર પણ પૂર્ણ કરી લીધી છે. રમેલા બૉલના હિસાબે એક કૅલેન્ડર યરમાં ૧૦૦ સિક્સર ફટકારવામાં પણ તે બીજા ક્રમનો સૌથી ઝડપી બૅટર બન્યો છે. ભારતીય ઓપનરે આ વર્ષે ૧૦૦ સિક્સર પૂરી કરવા માટે માત્ર ૬૫૧ બોલનો સામનો કર્યો છે અને ડેવાલ્ડ બ્રેવિસ તેમ જ ક્રિસ ગેઇલને પછાડી દીધા છે. આ યાદીમાં પણ આન્દ્રે રસેલ ૫૮૯ બૉલ (૨૦૧૯) સાથે પ્રથમ ક્રમે છે. બ્રેવિસે ગયા વર્ષે ૬૫૩ બૉલમાં અને ગેઇલે ૨૦૧૬માં ૭૨૪ બૉલમાં ૧૦૦ સિક્સર ફટકારી હતી.