20 November, 2025 11:52 AM IST | Doha | Gujarati Mid-day Correspondent
હર્ષ દુબે
કતરના દોહામાં ચાલી રહેલા રાઇઝિંગ સ્ટાર એશિયા કપમાં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાન ટીમ સામે હાર બાદ મંગળવારે ક્વૉર્ટર ફાઇનલસમાન બનેલી ત્રીજી અને છેલ્લી લીગ મૅચમાં ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. હવે આવતી કાલે સેમી ફાઇનલમાં ભારત અને બંગલાદેશ તેમ જ પાકિસ્તાન અને શ્રીલંકા ટકરાશે.
મંગળવારે ઓમાને વાસિમ અલીની હાફ સેન્ચુરીની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૫ રન બનાવ્યા હતા. ઓમાનને સૌથી વધુ કન્ટ્રોલમાં સુયશ શર્માએ રાખ્યા હતા. તેણે ૪ ઓવરમાં માત્ર ૧૨ રન આપ્યા હતા અને બે વિકેટ લીધી હતી. જવાબમાં ભારતીય ટીમે એક સમયે ૯ ઓવરમાં ૬૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. હર્ષ દુબે અણનમ ૫૩ અને નેહલ વઢેરા ૨૩ રને વધુ નુકસાન અટકાવીને ટીમને વિજયના દ્વારે લઈ ગયા હતા. કૅપ્ટન જિતેશ શર્માએ ૧૮મી ઓવરમાં પાંચમા બૉલે બાઉન્ડરી ફટકારીને ટીમને સેમી ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. એક વિકેટ અને મૅચવિનિંગ અણનમ હાફ સેન્ચુરીને લીધે હર્ષ દુબે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.