21 October, 2026 12:25 PM IST | Abu dhabi | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાન માટે સેદીકુલ્લાહ અટલે ૧૧૦ બૉલમાં ૧૦૨ રન ફટકાર્યા
અબુ ધાબીમાં ઝિમ્બાબ્વે સામેની વન-ડે ત્રિકોણીય સિરીઝની મૅચમાં ૧૫૮ રનની જીત સાથે અફઘાનિસ્તાને ફાઇનલમાં સ્થાન પાકું કર્યું છે. અફઘાનિસ્તાને ૨૯૫ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ઝિમ્બાબ્વેને ૩૮.૪ ઓવરમાં ૧૩૬ રને તંબુભેગું કરી દીધું હતું. આ હરીફ સામે ઝિમ્બાબ્વે છેલ્લે માર્ચ ૨૦૧૮માં વન-ડે મૅચ જીત્યું હતું. ત્યાર પછીની ૭ મૅચમાંથી ૬ મૅચ અફઘાનિસ્તાને જીતી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.
ઓપનર ઇબ્રાહિમ ઝાદરાનના ૯૬ બૉલમાં ૯૦ રન અને ત્રીજા ક્રમે બૅટિંગ માટે આવેલા સેદીકુલ્લાહ અટલના ૧૧૦ બૉલમાં ૧૦૨ રનની મદદથી અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં ૨૯૪-૧૦નો સ્કોર કર્યો હતો.
રન-ચેઝ સમયે ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિંકદર રઝાએ ૮૦ બૉલમાં ૪૮ રન કર્યા હતા. તેની ટીમે ૩૧.૩ ઓવરમાં ૧૦૭ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી અને બાકીની પાંચ વિકેટ ૨૯ રનની અંદર ગુમાવી હતી. અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ૮ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
માત્ર ૪ મૅચની આ ત્રિકોણીય સિરીઝની ફાઇનલમાં અફઘાનિસ્તાને +૩.૧૬૦ના નેટ રનરેટ સાથે સ્થાન પાકું કર્યું છે. ઝિમ્બાબ્વે (-૦.૫૯૦) અને બંગલાદેશ (-૧.૯૮૦) બીજા ફાઇનલિસ્ટ બનવાની રેસમાં છે. આજે બંગલાદેશ અને અફઘાનિસ્તાનની મૅચના રિઝલ્ટની પછી બીજી ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે. બંગલાદેશ આ સિરીઝની પહેલી મૅચમાં ઝિમ્બાબ્વે સામે હાર્યું હતું.