04 December, 2025 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાનનો સ્ટાર બૅટર રહમાનુલ્લાહ ગુરબાઝ
સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં ટેસ્ટ-સિરીઝમાં થયેલા પરાજય બદલ ભારતીય કોચની ભારે ટીકા થયા બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ સ્ટાર બૅટર રહમાનુલ્લાહ ગુરબાઝે ગૌતમ ગંભીરનો બચાવ કર્યો છે. અફઘાનિસ્તાનનો આ વિકેટકીપર-બૅટર કહે છે, ‘જો તમારા દેશમાં ૧.૪ અબજ લોકો છે તો તમે કહી શકો છો કે ૨૦-૨૩ મિલ્યન લોકો તેમની વિરુદ્ધ હશે. બાકીના ગૌતમસર અને ભારતીય ટીમ સાથે છે. તેમના પર ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. તે મારી કરીઅરમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ માણસ અને શ્રેષ્ઠ માર્ગદર્શક છે. મને તેની કામ કરવાની રીત ગમે છે. ભારત તેના કોચિંગ હેઠળ વન-ડે ફૉર્મેટમાં ચૅમ્પિયન્સ ટ્રોફી અને T20 ફૉર્મેટમાં એશિયા કપ જીત્યું છે. તેણે ઘણી સિરીઝ જિતાડી છે એથી તમે તેને એક-બે સિરીઝ માટે દોષી ઠેરવી ન શકો. તે કડક નથી, પરંતુ શિસ્તબદ્ધ છે. જ્યારે કંઈક શિસ્ત વિરુદ્ધ જાય છે ત્યારે જ તે કડક બને છે.’