અફઘાનિસ્તાને વાઇટવૉશનો બદલો વાઇટવૉશ કરીને લીધો

16 October, 2025 10:50 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ સામે T20 સિરીઝમાં ૦-૩ની હારને ભૂલીને વન-ડેમાં મેળવી ૩-૦થી જીત : છેલ્લી વન-ડેમાં મસમોટી ૨૦૦ રનથી જીત

બંગલાદેશને વન-ડે સિરીઝમાં ૩-૦થી કચડી નાખ્યા બાદ ટ્રોફી સાથે​ ખુશખુશાલ અફઘાનિસ્તાનની ટીમ

અબુ ધાબીમાં મંગળવારે રાત્રે અફઘાનિસ્તાને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં બંગલાદેશને સેકન્ડ હાઇએસ્ટ ૨૦૦ રનથી હરાવીને સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. આ સાથે તેમણે આ સિરીઝ પહેલાં શારજાહમાં રમાયેલી T20 સિરીઝમાં મળેલી ૦-૩ની હારનો બદલો લઈ લીધો હતો.

મંગળવારે ઇબ્રાહિમ ઝરદાન (૯૫ રન) અને મોહમદ નબી (૬૨ રન)ની હાફ-સેન્ચુરીની મદદથી ૯ વિકેટે ૨૯૩ રન બનાવ્યા હતા. બંગલાદેશ ૨૭.૧ ઓવરમાં માત્ર ૯૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. બંગલાદેશ વતી ઓપનર સૈફ હસનના ૪૩ રન સિવાય એક પણ બૅટર ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી નહોતો શક્યો. અફઘાનિસ્તાન વતી બિલાલ સમીએ ૩૩ રનમાં પાંચ અને રાશિદ ખાને ૧૨ રનમાં ૩ વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનની તેમના વન-ડે ઇતિહાસની આ બીજા નંબરની સૌથી મોટી જીત બની ગઈ હતી. ઝિમ્બાબ્વે સામેની ૨૩૨ રનની જીત પ્રથમ સ્થાને છે. આ મામલે ઓવરઑલ ૩૪૨ રનતી જીતનો વર્લ્ડ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના નામે છે જે તેમણે સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે નોંધાવ્યો હતો. બીજું અબુ ધાબી મેદાનમાં રનના મામલે આ સૌથી મોટી જીત બની ગઈ હતી. આ પહેલાંનો રેકૉર્ડ ૧૭૪ રનનો હતો જે ગયા વર્ષે આયરલૅન્ડ સામે સાઉથ આફ્રિકાએ નોંધાવ્યો હતો. 

રાશિદ ખાન ફરી બન્યો નંબર વન વન-ડે બોલર

બંગલાદેશ સામેની સિરીઝમાં શાનદાર પર્ફોર્મન્સના જોરે અફઘાનિસ્તાની સ્પિનર રાશિદ ખાન ફરી વન-ડેનો નંબર વન બોલર બની ગયો છે. ગઈ કાલે જાહેર થયેલા રૅન્કિંગમાં રાશિદ ખાન ૭૧૦ રેટિંગ પૉઇન્ટ સાથે સાઉથ આફ્રિકન સ્પિનર કેશવ મહારાજને હટાવીને ટોચમાં પહોંચી ગયો હતો.

afghanistan bangladesh cricket news sports sports news