31 January, 2025 09:17 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ વિધાઉટ બૉર્ડર્સ ઇલેવન ટીમ સાથે અફઘાનિસ્તાનની વિમેન્સ ક્રિકેટર્સે પડાવ્યો ગ્રુપ ફોટો.
ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ધ જંક્શન ઓવલના મેદાન પર ક્રિકેટ વિધાઉટ બૉર્ડર્સ ઇલેવનની ટીમ સામે અફઘાનિસ્તાનની વિમેન્સ ક્રિકેટ ટીમે T20 મૅચ રમી હતી. વર્ષ ૨૦૨૧ બાદ પહેલી વાર મેદાન પર એકસાથે રમતી અફઘાનિસ્તાનની વિમેન્સ ટીમને ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, પણ ક્રિકેટના મેદાન પર પોતાની ઓળખ ફરી સ્થાપિત કરવામાં સફળ રહી હતી. અફઘાનિસ્તાને પહેલી બૅટિંગ કરતાં નવ વિકેટે ૧૦૩ રન બનાવ્યા હતા જેને હરીફ ટીમે ચાર બૉલ પહેલાં માત્ર ત્રણ વિકેટના નુકસાન સાથે ૧૦૪ રનને ચેઝ કરી બતાવ્યો હતો.
મૅચ દરમ્યાન અફઘાનિસ્તાનની પ્લેયર્સના ચહેરા પર ખુશી, ઉત્સાહ અને ફરી નવી ઉડાન ભરવાનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ઑસ્ટ્રેલિયન સરકાર આ વિમેન્સ ક્રિકેટર્સને ફરી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરવા માટે મદદ કરી રહી છે. ૨૦૨૧માં તાલિબાનનું રાજ આવ્યું ત્યારે આ ક્રિકેટર્સે પોતાની ઓળખ છુપાવવા માટે પોતાની ટીમની જર્સી પણ સળગાવી દેવી પડી હતી. અફઘાનિસ્તાનમાં મહિલાઓનો શિક્ષણ અને રમવાનો અધિકાર છીનવી લેવાયો હોવાથી આ ક્રિકેટર્સે ઑસ્ટ્રેલિયામાં શરણ લીધી છે.