પાકિસ્તાન સામે હાર બાદ ટ્રોલ થયો શમી, સહેવાગ સહિત અન્ય ક્રિકેટરોએ આપ્યો સણસણતો જવાબ

25 October, 2021 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

T20 વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાનના સામે હાર બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવી રહ્યા છે.

મોહમ્મદ શમી. તસવીર એપી/પીટીઆઈ

T20 વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાનના સામે હાર બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવી રહ્યા છે. તેમની સામે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. મુસ્લિમ હોવાની હકીકતને ઉજાગર કરીને તે પાકિસ્તાન તરફી હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ લોકોએ ઈન્સ્ટાગ્રામ પર મોહમ્મદ શમીની પોસ્ટ જોઈને ઝેર ઓક્યું છે. પાકિસ્તાન સામેની મેચમાં કોઈ પણ ભારતીય બોલરને એક પણ વિકેટ મળી ન હતી. શમીએ મેચમાં 3.5 ઓવર નાંખી અને 43 રન આપ્યા હતા. પાકિસ્તાની બેટ્સમેને તેની બોલિંગ દરમિયાન છ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

એક યુઝરે શમી માટે લખ્યું કે “ટીમ ઇન્ડિયામાં પાકિસ્તાની.” બીજાએ લખ્યું, “પાકિસ્તાનની તરફેણમાં એક મુસ્લિમ.” “તમને કેટલા પૈસા મળ્યા?” આ કેટલીક ટિપ્પણીઓ છે. મોહમ્મદ શમી સામે આવી ઘણી અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. જોકે, એવા પણ લોકો હતા જેમણે સમજદારી દાખવી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સમર્થન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર શમી ટ્રોલ થતાં ભારતીય ક્રિકેટરો તેમના સમર્થનમાં આવ્યા હતા. હરભજને ટ્વિટ કરીને લખ્યું કે “અમે તમને પ્રેમ કરીએ છીએ મોહમ્મદ શમીને.”

ચહલે લખ્યું “અમને તમારા પર અત્યંત ગર્વ છે મોહમ્મદ શમી.”

સેહવાગે ટ્વિટ કરી લખ્યું કે “મોહમ્મદ શમી પરનો ઓનલાઈન એટેક ચોંકાવનારો છે અને અમે તેની સાથે ઊભા છીએ. તે ચેમ્પિયન છે અને કોઈપણ ખેલાડી જે ઈન્ડિયાની જર્સી પહેરે છે તેનામાં ઓનલાઈન ભીડ કરતા વધુ દેશભક્તિ હોય છે. અમે શમી તમારી સાથે છીએ.”

ઈરફાન પઠાણે ટ્વિટ કરી લખ્યું કે “હું પણ મેદાન પર #IndvsPak લડાઈનો ભાગ હતો જ્યાં આપણે હાર્યા છીએ, પરંતુ મને ક્યારેય પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું નથી! હું થોડા વર્ષો પહેલાના ઈન્ડિયા વિશે વાત કરી રહ્યો છું. આ બકવાસ રોકવાની જરૂર છે. #shami (sic).”

sports news cricket news mohammed shami harbhajan singh virender sehwag