દસેદસને આઉટ કર્યા પછીયે ટીમમાંથી આઉટ : અજાઝ પટેલ પહેલો જ બોલર

24 December, 2021 01:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડના સિલેક્ટરોએ ઇતિહાસની બરાબરી કરનાર આ સ્પિનરને બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝની ટીમમાં મુખ્ય બે કારણસર નથી સમાવ્યો

અજાઝ પટેલ

ન્યુ ઝીલૅન્ડના ૩૩ વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર અજાઝ પટેલે ૪ ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં ભારતના પ્રથમ દાવમાં ૧૦ વિકેટ લઈ લીધી અને એક ઇનિંગ્સમાં તમામ ૧૦ વિકેટ લેવાના વિશ્વવિક્રમની બરાબરી કરી ત્યારે તેણે કલ્પનાય નહીં કરી હોય કે ન્યુ ઝીલૅન્ડની એ પછીની ટેસ્ટ માટેની ટીમમાં (ઈજા ન હોવા છતાં) તેનો સમાવેશ નહીં હોય. ખરેખર એવું જ બન્યું છે. ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડના સિલેક્ટરોએ ઘરઆંગણે પહેલી જાન્યુઆરીથી બંગલાદેશ સામે રમાનારી બે મૅચની ટેસ્ટ-સિરીઝ માટેની ૧૩ ખેલાડીઓની ટીમમાં અજાઝને નથી સમાવ્યો.
અજાઝ ટીમમાં કેમ નથી?
મૂળ ભરૂચ જિલ્લાના અને જોગેશ્વરીમાં ફ્લૅટ ધરાવતા અજાઝે ભારતના એક દાવમાં તમામ ૧૦ વિકેટ લેવાની અપ્રતિમ સિદ્ધિ મેળવી, પણ ૨૦ દિવસની અંદર તેની પોતાની જ ‘વિકેટ’ પડી ગઈ. બંગલાદેશ સામેની બન્ને ટેસ્ટ પેસ બોલરોને સૌથી વધુ માફક આવે એવી માઉન્ટ મૉન્ગેનુઇ અને ક્રાઇસ્ટચર્ચમાં રમાવાની હોવાથી સિલેક્ટરોએ ટીમમાં અજાઝને સ્થાન ન આપીને એકમાત્ર સ્પિનર રાચિન રવીન્દ્રને સામેલ કર્યો છે. પીઢ સ્પિનર મિચલ સૅન્ટનરને પણ ટીમમાં નથી સમાવાયો. બીજું, અજાઝ પટેલ ઘરઆંગણે ફક્ત ૩ ટેસ્ટ રમ્યો છે અને એમાં એકેય વિકેટ નથી લઈ શક્યો એટલે તેને બંગલાદેશ સામે નહીં રમાડવામાં આવે.
અજાઝ પટેલ વિશ્વનો એક એવો પહેલો બોલર છે જેણે ટેસ્ટના એક દાવમાં ૧૦ વિકેટ લીધી હોવા છતાં તેને એ પછીની ટેસ્ટની ટીમમાં સ્થાન નથી મળ્યું. ઇંગ્લૅન્ડના રાઇટ-આર્મ ઑફબ્રેક સ્પિનર જિમ લેકરે ૧૯૫૬માં મૅન્ચેસ્ટરમાં ઑસ્ટ્રેલિયા સામેની જે ટેસ્ટમાં કુલ ૧૯ વિકેટ (૩૭ રનમાં ૯ અને ૫૩ રનમાં ૧૦) લઈને ઇંગ્લૅન્ડને જિતાડ્યું એ પછી ઓવલ (લંડન)માં ઑસ્ટ્રેલિયા સામેની જ ટેસ્ટમાં તેમને રમાડવામાં આવ્યા હતા અને એમાં તેમણે કુલ ૭ વિકેટ (૮૦ રનમાં ૪ અને ૮ રનમાં ૩) લીધી હતી.
૧૯૯૯માં રાઇટ-આર્મ લેગબ્રેક ગુગલી સ્પિનર અનિલ કુંબલેએ દિલ્હીમાં પાકિસ્તાન સામેની જે ટેસ્ટના બીજા દાવમાં તમામ ૧૦ વિકેટ (૭૪ રનમાં ૧૦) લઈને ભારતને ૨૧૨ રનથી જિતાડ્યું હતું એ પછી તરત જ કલકત્તામાં ભારતની જે ટેસ્ટ રમાઈ હતી એની ઇલેવનમાં કુંબલે હતો. કુંબલે એ ટેસ્ટમાં કુલ ૧૩૯ રનમાં એક જ વિકેટ લઈ શક્યો હતો એ વાત અલગ છે, પણ તેને ૧૦ વિકેટની કીર્તિ પછીની ટેસ્ટમાં રમાડવામાં આવ્યો જ હતો.
ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ-ટીમ
ટૉમ લૅથમ (કૅપ્ટન), ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), વિલ યંગ, રૉસ ટેલર, 
ટ્રેન્ટ બોલ્ટ, ડેવવોન કોન્વે, મૅટ હેન્રી, કાઇલ જૅમીસન, ડેરિલ મિચલ, હેન્રી નિકોલસ, રાચિન રવીન્દ્ર, ટિમ સાઉધી અને નીલ વૅગનર.

અજાઝ પટેલ હતાશ છે, પણ આશ્ચર્ય નથી પામ્યો : સ્પિન-ફ્રેન્ડ્લી પિચ બનાવવા માટે કરી અપીલ

ક્રિકેટજગતમાં મોટા ભાગના લોકો નવાઈ પામ્યા છે, પણ ખુદ અજાઝને આશ્ચર્ય નથી થયું. તે સિલેક્ટરોના નિર્ણયથી હતાશ જરૂર થયો છે, પણ તેને આશ્ચર્ય નથી થયું. તેણે ગઈ કાલે પત્રકારોને કહ્યું કે ‘હું જાણું છું કે ન્યુ ઝીલૅન્ડમાં પિચ મોટા ભાગે ફાસ્ટ બોલરોને વધુ માફક આવતી હોય છે એટલે જ મને ટીમમાં સ્થાન નથી મળ્યું. જોકે સ્પિનર તરીકે મારી ફરજ દેશમાં નવી પેઢીના ખેલાડીઓને સ્પિન બોલિંગમાં કરીઅર બનાવવા માટે પ્રેરણા આપવાની છે.’
અજાઝ પટેલે ગઈ કાલે ટેસ્ટ-ટીમમાં સ્થાન ન મળતાં ઓકલૅન્ડમાં પત્રકારોને નિરાશા છુપાવતાં કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડમાં ક્રિકેટની પિચ બનાવતા ક્યુરેટરો અને માળીઓને મારી અપીલ છે 
કે દેશમાં સ્પિન બોલિંગને પ્રોત્સાહન મળે એ હેતુથી સ્પિનરોને ફાયદો અપાવતી પિચો બનવી જોઈએ. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટમાં સ્પિન બોલિંગ મહત્ત્વનો હિસ્સો બને એ હેતુથી હું સ્પિન બોલિંગની તરફેણમાં લડત ચલાવતો રહીશ.’

152.3
છેલ્લાં ત્રણ વર્ષમાં ન્યુ ઝીલૅન્ડના સ્પિનરોએ ઘરઆંગણે આટલી ઓવર બોલિંગ કરીને ફક્ત ૭ વિકેટ લીધી છે, જ્યારે ફાસ્ટ બોલરોએ ૧૫૬૫.૩ ઓવર બોલિંગમાં ૧૯૬ વિકેટ લીધી છે.

સિલેક્ટરો ઘરઆંગણાની પિચ પર બોલરો સારી બૅટિંગ પણ કરી શકે એવી તલાશમાં છે એટલે હમણાં તો હું બૅટિંગ સુધારવા પર ખાસ ધ્યાન આપી રહ્યો છું. : અજાઝ પટેલ (માત્ર ૧૦.૦૦ની બૅટિંગ-ઍવરેજ ધરાવતો બોલર)

sports sports news cricket news test cricket new zealand bangladesh