15 July, 2025 07:01 AM IST | London | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે
ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે જુલાઈ ૨૦૨૩થી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શક્યો નથી, પરંતુ ૩૭ વર્ષના રહાણેને હજી પણ નૅશનલ ટીમમાં વાપસીની આશા છે. તે હાલમાં લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાના સાથી ક્રિકેટર અને કૉમેન્ટેટર ચેતેશ્વર પુજારા સાથે જોવા મળ્યો હતો.
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં રહાણેએ કહ્યું હતું, ‘હું હજી પણ ટેસ્ટ-ક્રિકેટ રમવા માગું છું. હું ટેસ્ટ-ક્રિકેટ રમવા માટે ખૂબ જ ઉત્સુક છું અને હાલમાં હું ક્રિકેટનો આનંદ માણી રહ્યો છું. હું લંડનમાં ફક્ત થોડા દિવસો માટે છું અને હું મારાં ટ્રેઇનિંગનાં કપડાં લાવ્યો છે જેથી હું મારી જાતને ફિટ રાખી શકું. અમારી ડોમેસ્ટિક સીઝન શરૂ થઈ રહી છે એથી તૈયારી હમણાં જ શરૂ થઈ છે.’
ભારતીય ટીમના સિલેક્ટર્સ તરફથી ન મળ્યો કોઈ જવાબ
ભારત માટે ૮૫ ટેસ્ટ, ૯૦ વન-ડે અને ૨૦ T20 મૅચ રમનાર અજિંક્ય રહાણેએ એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘સાચું કહું તો મેં ભારતીય ટીમના સિલેક્ટર્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક પ્લેયર તરીકે મારો આવી બાબતો પર કોઈ નિયંત્રણ નથી. મને કોઈ જવાબ મળ્યો નહીં. હું મારા નિયંત્રણમાં હોય એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.’
રહાણે ફરી એક વાર રણજી ટ્રોફીમાં મુંબઈનું નેતૃત્વ કરે એવી અપેક્ષા છે.