✕

ખરાબ પ્રકાશને કારણે ઇન્ડિયા A ટીમ પહેલી મૅચમાં જીતથી વંચિત રહી ગઈ

28 October, 2026 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંત સમયમાં ફાસ્ટ બોલર પણ સ્પિનર બન્યા પણ વિજયથી માત્ર એક વિકેટ દૂર રહ્યા, નવમી વિકેટ લીધા પછી ૧૦ ઓવર સુધી વિકેટલેસ રહ્યા, સિરીઝની અંતિમ બે મૅચ ૩૧ આૅક્ટોબર અને ૭ નવેમ્બરથી શરૂ થશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લિંકનમાં ન્યુ ઝીલૅન્ડ A સામેની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. ધ્રુવ જુરેલની આગેવાની હેઠળની ઇન્ડિયા A ટીમે ૧૧૩ રન અને ૫૧૬ રનની મદદથી ૩૧૩ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૧૭ રન કરનાર ન્યુ ઝીલૅન્ડ A ટીમે બીજી ઇનિંગ્સમાં ૬૫ ઓવર રમીને ૧૮૭-૯નો સ્કોર કર્યો હતો. દિવસની રમતમાં લગભગ ૧૭ ઓવર બાકી હતી ત્યારે ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરોએ ખેલાડીઓને મેદાનની બહાર બોલાવી લીધા હતા. 
ચોથા દિવસની શરૂઆતમાં ૧૨૦મી ઓવરમાં ૪૮૮-૮ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારનાર ભારતીય ટીમે ૧૨૩.૧ ઓવરમાં ૫૧૬ રને બાકીની બે વિકેટ પણ ગુમાવી હતી. 
રન-ચેઝ દરમ્યાન યજમાન ટીમે ૩૦ ઓવરમાં ૧૧૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર કર્ટિસ હેફી ૧૮૭ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૯૦ રન કરીને અંત સુધી ટકી રહ્યો હતો. ૫૫.૩ ઓવરમાં ૧૭૦ રનના સ્કોરે નવમી વિકેટ ગુમાવ્યા પછી કિવી ટીમે ૧૦ ઓવર સુધી દસમી વિકેટ પડવા દીધી નહોતી.  
બીજી ઇનિંગ્સમાં ભારત માટે ફાસ્ટ બોલર આકિબ નબીએ ૧૦ ઓવરમાં ૩૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી. વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મુકેશ ચૌધરી અને અશુંલ કમ્બોજને ૧- ૧ વિકેટ મળી હતી. દેવદત્ત પડિક્કલે સ્પિન બોલિંગ કરીને પાંચ ઓવરમાં ૧૧ રન આપીને પોતાની પહેલી બે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ વિકેટ લીધી હતી. દિવસના અંત સમયમાં ઓવરો ઝડપથી પૂરી કરવા અને અંતિમ વિકેટ લેવા મુકેશ ચૌધરી જેવા ફાસ્ટ બોલરે સ્પિન બોલિંગ પણ કરી હતી. 

team india new zealand dhruv Jurel indian cricket team sports news sports cricket news