આઇપીએલના મીડિયા રાઇટ્સની રેસમાંથી ઍમેઝૉન આઉટ

11 June, 2022 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવાર-સોમવારના ઈ-ઑક્શનમાં રિલાયન્સ હવે સ્ટાર, સોની, ઝી સાથેની રેસમાં જીતવા ફેવરિટ : બીસીસીઆઇ અંદાજે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરશે

આઇપીએલના મીડિયા રાઇટ્સની રેસમાંથી ઍમેઝૉન આઉટ

આવતી કાલે અને સોમવારે આઇપીએલના પાંચ વર્ષ (૨૦૨૩થી ૨૦૨૭) માટેના મીડિયા રાઇટ્સના વેચાણ માટેનું ઈ-ઑક્શન યોજાવાનું છે અને એ માટેની રેસમાંથી ઓટીટી (ઓવર-ધ-ટૉપ) જાયન્ટ ઍમેઝૉન ગ્રુપ હટી જતાં હવે આ હક મેળવી લેવા મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપના વાયકૉમ18 માટે માર્ગ મોકળો બન્યો છે. જોકે બીજા ત્રણ મોટાં હરીફો સ્ટાર ગ્રુપ, સોની તથા ઝી પણ ટીવી અને ડિજિટલ સ્પેસ માટેની રેસમાં છે. જેફ બેજોઝના ઍમેઝૉન ગ્રુપ શા માટે રેસમાંથી નીકળી ગયું એનું સત્તાવાર કારણ ગઈ કાલે નહોતું મળ્યું, પરંતુ કહેવાય છે કે આ ગ્રુપે ભારતમાં ૬ અબજ ડૉલરનું જંગી રોકાણ કરી 
લીધું હોવાથી આઇપીએલ માટે મોટું રોકાણ કરવાનું એને ઠીક નથી લાગી રહ્યું.
હાલમાં ૨૦૨૨ સુધીના રાઇટ્સ વૉલ્ટ ડિઝની (સ્ટાર ગ્રુપ) પાસે છે.
પીટીઆઇના અહેવાલ મુજબ બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ ગઈ કાલે કહ્યું કે ‘ઍમેઝૉન ગ્રુપ હવે રેસમાં નથી. તે આજે ટેક્નિકલ બિડિંગ પ્રોસેસમાં નહોતું જોડાયું. ગૂગલ (યુટ્યુબ) મુજબ એ ગ્રુપે બિડ ડૉક્યુમેન્ટ ખરીદ્યું હતું, પણ સબમિટ નહોતું કર્યું. હાલમાં ૧૦ કંપનીઓ રેસમાં છે.’
કઈ ૧૦ કંપનીઓ છે રેસમાં?
વાયકૉમ18, વૉલ્ટ ડિઝની (સ્ટાર), સોની, ઝી, ટાઇમ્સ ઇન્ટરનેટ, ફૅન કોડ, ફનએશિયા, ડ્રીમ11, સુપરસ્પોર્ટ અને સ્કાય સ્પોર્ટ્સ.
કયા પૅકેજિસની ઑફર
પૅકેજ ‘એ’ : ઇન્ડિયન સબ-કૉન્ટિનેન્ટ એક્સક્લુઝિવ ટીવી (બ્રૉડકાસ્ટ) રાઇટ્સ. મૂલ્ય આશરે ૧૮,૧૩૦ કરોડ રૂપિયા.
પૅકેજ ‘બી’ : ડિજિટલ રાઇટ્સ ફૉર ઇન્ડિયન સબ-કૉન્ટિનેન્ટ. મૂલ્ય આશરે ૧૨,૨૧૦ કરોડ રૂપિયા.
પૅકેજ ‘સી’ : ડિજિટલ સ્પેસ માટે પ્રત્યેક સીઝનમાં પસંદગીની ૧૮ મૅચો. મૂલ્ય આશરે ૯૯૦ કરોડ રૂપિયા.
પૅકેજ ‘ડી’ : (તમામ મૅચો) વિદેશી માર્કેટ્સ માટેના ટીવી તથા ડિજિટલ રાઇટ્સ. મૂલ્ય આશરે ૧૧૧૦ કરોડ રૂપિયા.
બેઝ પ્રાઇસ કેટલી?
છેલ્લે સ્ટાર ગ્રુપે આઇપીએલના પ્રસારણ માટેના તમામ હક ૧૬,૩૪૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જોકે આગામી પાંચ વર્ષ માટેના રાઇટ્સ માટેની મૂળ કિંમત ૩૨,૪૪૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે. એવું મનાય છે કે બીસીસીઆઇ આ રાઇટ્સ અંદાજે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા (આશરે ૫.૮ અબજ ડૉલર)માં વેચવામાં સફળ થશે.

74
આઇપીએલની આગામી પ્રત્યેક સીઝનમાં ઓછામાં ઓછી આટલી મૅચો રમાશે, પરંતુ ૨૦૨૬ અને ૨૦૨૭માં મૅચોની સંખ્યા ૯૪ સુધી વધી શકે.

sports news sports cricket news ipl 2022