ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચે રમાનારી બધી ટેસ્ટ-સિરીઝ

21 June, 2025 07:28 AM IST  |  Leeds | Gujarati Mid-day Correspondent

ટ્રોફીમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને ભારતના સ્ટાર બૅટર સચિન તેન્ડુલકરની છબી તેમ જ તેમના કોતરેલા ઑટોગ્રાફ પણ છે

ઇંગ્લૅન્ડના લંડનમાં લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવી ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી સાથે પોઝ આપ્યો બન્ને ભૂતપૂર્વ ક્રિકેટર્સે.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની હવે પછી રમાનારી તમામ ટેસ્ટ-સિરીઝ ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે. ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે અને ભારતીય ક્રિકેટ બોર્ડે સાથે મળીને અગાઉ ઇંગ્લૅન્ડમાં રમાતી પટૌડી ટ્રોફી અને ભારતની ધરતી પર રમાતી ઍન્થની ડી મેલો ટ્રોફીનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.

નામ સાથે ટ્રોફીની ડિઝાઇનમાં પણ ફેરફાર થયો છે. ટ્રોફીમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને ભારતના સ્ટાર બૅટર સચિન તેન્ડુલકરની છબી તેમ જ તેમના કોતરેલા ઑટોગ્રાફ પણ છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે હાઇએસ્ટ ૯૯૧ વિકેટ અને સૌથી વધુ ૩૪,૩૫૭ રનની ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર જેમ્સ ઍન્ડરસન અને સચિન તેન્ડુલકર નવી ટ્રોફીની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ દરમ્યાન લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા.

ભારત અને ઇંગ્લૅન્ડે ટેસ્ટ-ક્રિકેટને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. આશા છે કે દુનિયા ટેસ્ટ-ક્રિકેટની વધુ ઉજવણી કરી શકે. - સચિન તેન્ડુલકર

આ પ્રતિષ્ઠિત સિરીઝનું નામ સચિન અને મારા નામ પરથી રાખવામાં આવ્યું છે એ મારા પરિવાર માટે ગર્વની વાત છે. બન્ને દેશો વચ્ચેની હરીફાઈ હંમેશાં કંઈક ખાસ, ઐતિહાસિક, તીવ્ર અને અવિસ્મરણીય ક્ષણોથી ભરેલી રહી છે. - જેમ્સ ઍન્ડરસન

india england james anderson sachin tendulkar test cricket cricket news sports sports news