બીજી ઇનિંગ્સમાં પણ ભારતીય મહિલાઓનો ધબડકો

08 March, 2026 09:41 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

૨૪ વર્ષની ઍનાબેલ સધરલૅન્ડ સાતમી ટેસ્ટ-મૅચ રમી રહી છે અને ગઈ કાલે તેણે ચોથી ટેસ્ટ-સદી નોંધાવી હતી. તે ટેસ્ટમાં સતત ૩ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.

ઍનાબેલ સધરલૅન્ડે ૧૭૧ બૉલમાં ૧૭ ફોરની મદદથી ૧૨૯ રન ફટકાર્યા હતા, પહેલી ઇનિંગ્સમાં ૪ વિકેટ લીધા બાદ તેણે બીજી ઇનિંગ્સમાં બે વિકેટ પણ લીધી હતી.

પર્થમાં રમાઈ રહેલી પિન્ક બૉલ ટેસ્ટ-મૅચમાં યજમાન ઑસ્ટ્રેલિયાએ ભારત સામે દબદબો જાળવી રાખ્યો છે. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ ઍનાબેલ સધરલૅન્ડની સદીના આધારે પહેલી ઇનિંગ્સમાં ૯૦.૪ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૩૨૩ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૧૯૮ રન કરનાર ભારતીય ટીમે બીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૨૯ ઓવરમાં ૧૦૫ રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમ હજી ૨૦ રન આગળ છે. કાંગારૂ ટીમે બીજા દિવસે ૨૮મી ઓવરમાં ૯૬/૩ના સ્કોરથી પોતાની પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. પાંચમા ક્રમે રમવા આવેલી ઍનાબેલ સધરલૅન્ડે ૧૭૧ બૉલમાં ૧૭ ફોરની મદદથી ૧૨૯ રન ફટકાર્યા હતા. અનુભવી બૅટર એલિસ પેરીએ ત્રીજા ક્રમે રમીને ૧૦ ફોર અને ૧ સિક્સના આધારે ૧૧૬ બૉલમાં ૭૬ રન કર્યા હતા. ભારત તરફથી સાયલી સાતઘરેએ ૪ વિકેટ જ્યારે દીપ્તિ શર્મા અને ક્રાંતિ ગૌડે ૨-૨ વિકેટ ઝડપી હતી. શફાલી વર્મા અને સ્નેહ રાણાને ૧-૧ સફળતા મળી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતે ૨૩.૪ ઓવરમાં ૮૬ રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા ક્રમે રમી રહેલી પ્રતીકા રાવલ ૮૪ બૉલમાં ૬ ફોરની મદદથી ૪૩ રન કરીને અણનમ રહી હતી. સ્નેહ રાણા પણ ૧૭ બૉલમાં ૧૪ રન કરીને પિચ પર ટકી રહી હતી. પહેલી ઇનિંગ્સની જેમ ફાસ્ટ બોલર્સ લ્યુસી હૅમિલ્ટન અને ઍનાબેલ સધરલૅન્ડે તરખાટ મચાવ્યો હતો. ભારતની બીજી ઇનિંગ્સમાં હમણાં સુધી લ્યુસી હૅમિલ્ટને ૩ વિકેટ અને ઍનાબેલ સધરલૅન્ડે બે વિકેટ લીધી છે. 

ટેસ્ટમાં સતત ૩ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ઍનાબેલ સધરલૅન્ડ

૨૪ વર્ષની ઍનાબેલ સધરલૅન્ડ સાતમી ટેસ્ટ-મૅચ રમી રહી છે અને ગઈ કાલે તેણે ચોથી ટેસ્ટ-સદી નોંધાવી હતી. તે ટેસ્ટમાં સતત ૩ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં તેણે સાઉથ આફ્રિકા સામે ૨૧૦ રન અને જાન્યુઆરી ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ સામે ૧૬૩ રન કર્યા હતા. 

australia indian womens cricket team sports news sports cricket news