આખરે લલિત મોદીની ૧૬ વર્ષની કાનૂની લડત સમાપ્ત

23 July, 2026 03:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

IPL મામલે EDની પેનલ્ટી રદ થઈ એટલે ભારત પાછા ફરવા આતુર

લલિત મોદી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ ૨૦૦૯માં સાઉથ આફ્રિકામાં યોજાયેલી IPL સાથે જોડાયેલા ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ એક્ટ (FEMA) કેસમાં મોટી રાહત મળ્યા બાદ ભારત પાછા ફરવાની ઉત્સુકતા દર્શાવી છે. નવી દિલ્હીની ઍપલેટ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા તેમની સામે લાદવામાં આવેલી મુખ્ય પેનલ્ટી અને આદેશોને રદ કરી દીધાં છે.
આ ચુકાદા બાદ લલિત મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘લાંબા સમય પછી ભારત પાછા ફરવા માટે હું ખૂબ જ આતુર છું. સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો.’ ઉલ્લેખનીય છે કે લલિત મોદી નાણાકીય ગોટાળાના આરોપો વચ્ચે એક દશક કરતાં પણ વધુ સમયથી ભારત બહાર વિદેશમાં રહી રહ્યા છે. સ્મગલર્સ ઍન્ડ ફૉરેન એક્સચેન્જ મૅનિપ્યુલેટર્સ (ફૉર્ફીચર ઑફ પ્રૉપર્ટી) ઍક્ટ (SAFEMA) હેઠળની ઍપલેટ ટ્રિબ્યુનલે EDની મુખ્ય દલીલને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે ૨૦૦૯ની IPL માટે સર્વિસિસ પેટે સમયાંતરે કરાયેલી ચુકવણીને કૅપિટલ અકાઉન્ટ ટ્રાન્ઝૅક્શન ગણી શકાય નહીં. ૨૦૦૯માં ભારતમાં ચૂંટણીઓને કારણે IPLનું આયોજન સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. લલિત મોદીએ આ નિર્ણયને આવકારીને એને પોતાના માટે સૌથી મહત્ત્વનો કાનૂની વિજય ગણાવ્યો હતો.

lalit modi ipl 2027 indian premier league sports news sports cricket news enforcement directorate