જમ્મુ ઍન્ડ કાશ્મીરની પ્રશંસા કરીને સૌરવ ગાંગુલીએ BCCIને હાકલ કરી...

01 March, 2026 11:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હું આકિબ નબીને નૅશનલ ટીમમાં જોઈ રહ્યો છું ઇંગ્લૅન્ડ-ટૂરથી શરૂઆત થવી જોઈએ

રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં સાતમી વખત પાંચ વિકેટ લઈને ઉજવણી કરતો જોવા મળ્યો ફાસ્ટ બોલર આકિબ નબી.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ જમ્મુ ઍન્ડ કાશ્મીરની રણજી ટીમ અને ફાસ્ટ બોલર આકિબ નબી માટે શુક્રવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર સ્પેશ્યલ પોસ્ટ લખી હતી. બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI), ચીફ સિલેક્ટર અજિત આગરકર અને BCCI સચિવ દેવજિત સૈકિયાને ટૅગ કરીને સૌરવ ગાંગુલીએ મોટી હાકલ કરી હતી. ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલના પ્રમુખ સૌરવ ગાંગુલીએ લખ્યું હતું, ‘જમ્મુ ઍન્ડ કાશ્મીરે દુનિયાને બતાવ્યું છે કે પ્રયત્ન અને ઇરાદા શું કરી શકે છે. એણે આ પ્રદેશને ગૌરવ અપાવ્યું છે. કઠિન વાતાવરણ કઠિન લોકો તૈયાર કરે છે. હું આકિબ નબીને નૅશનલ ટીમમાં જોઈ રહ્યો છું. આ ઉનાળામાં ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન એની શરૂઆત (ડેબ્યુ) થવી જોઈએ.’

રણજી ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ

૨૦૨૪-’૨૫માં વિદર્ભના સ્પિનર હર્ષ દુબેની ૬૯ વિકેટ

૨૦૧૮-’૧૯માં બિહારના સ્પિનર આશુતોષ અમનની ૬૮ વિકેટ

૨૦૧૯-’૨૦માં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની ૬૭  વિકેટ

૧૯૭૪-’૭૫માં દિલ્હીના સ્પિનર બિશન સિંહ બેદીની ૬૪ વિકેટ

૧૯૯૮-’૯૯માં કર્ણાટકના ફાસ્ટ બોલર ડોડ્ડા ગણેશની ૬૨ વિકેટ

૧૯૯૯-૨૦૦૦માં હૈદરાબાદના સ્પિનર કંવલજિત સિંહની ૬૨ વિકેટ

ભારતીય ટીમ જુલાઈમાં પાંચ T20 અને ત્રણ વન-ડે માટે ઇંગ્લૅન્ડની ટૂર કરશે. રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં ૬૦ વિકેટ લેનાર આકિબ નબી ભારતની ઇંગ્લૅન્ડ-ટૂર પહેલાં IPL 2026માં પોતાના પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં એન્ટ્રીની શક્યતા વધારી શકે છે. દિલ્હી કૅપિટલ્સે તેને ૮.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

ranji trophy champions ranji trophy sourav ganguly cricket news board of control for cricket in india sports news sports