T20 મુંબઈ લીગમાં જબરદસ્ત ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને સચિનના દીકરા અર્જુન તેન્ડુલકરે મહેફિલ લૂંટી લીધી

10 June, 2026 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવમ દુબેની ટીમ અંધેરી માટે ૩ વિકેટ લીધા બાદ ૩૪ બૉલમાં ૬૬ રન ફટકારીને ૩૭ બૉલ પહેલાં જીત અપાવી...

ઇન્જર્ડ યંગ ફૅનને ઑટોગ્રાફ કરેલો બૉલ ગિફ્ટ કરતો અર્જુન તેન્ડુલકર

મેન્સ T20 મુંબઈ લીગમાં સોમવારે સાંજે ૧૬મી મૅચમાં બાંદરા બ્લાસ્ટર્સ સામે અંધેરી ટીમે ૯ વિકેટે જીત નોંધાવી હતી. બાંદરા બ્લાસ્ટર્સે ૯ વિકેટ ગુમાવીને ૧૪૪ રન કર્યા હતા. જવાબમાં શિવમ દુબેની ટીમે ૧ વિકેટના નુકસાન સાથે ૧૩.૫ ઓવરમાં ૧૪૮ રન કરીને ૧૪૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને અર્જુન તેન્ડુલકર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

આઇકૉન પ્લેયર યશસ્વી જાયસવાલ વગરની ટીમ બાંદરા બ્લાસ્ટર્સે બે ૪૦ પ્લસ રનની વ્યક્તિગત ઇનિંગ્સને આધારે સન્માનજનક સ્કોર મેળવ્યો હતો. અર્જુન તેન્ડુલકરે પોતાની ૩ ઓવરમાં એક ઓવર મેઇડન ફેંકીને માત્ર ૧૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. મૅચની પહેલી જ ઓવરમાં તેણે બે વિકેટ લીધી હતી. રન-ચેઝ સમયે અંધેરી ટીમના ઓપનર મશીર ખાને ૩૮ બૉલમાં અણનમ ૫૪ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમીને અર્જુન તેન્ડુલકરે ૩૪ બૉલમાં ૪ ફોર અને પાંચ સિક્સની મદદથી અણનમ ૬૬ રન ઝૂડ્યા હતા.

વાનખેડે સ્ટેડિયમના વિજય મર્ચન્ટ સ્ટૅન્ડમાં અર્જુને મારેલા એક સિક્સને કારણે યંગ ફૅનને ઇન્જરી થઈ હતી. મૅચ બાદ એ ફૅનને શિવમ દુબે અને અર્જુન તેન્ડુલકર તરફથી ઑટોગ્રાફ કરેલાં કૅપ અને બૉલ મળ્યાં હતાં.

વિમેન્સ T20 મુંબઈ લીગની અંતિમ મૅચમાં નક્કી થશે બીજી ફાઇનલિસ્ટ 
વિમેન્સ T20 મુંબઈ લીગની પહેલી સીઝનની અંતિમ લીગ-સ્ટેજ મૅચ આજે આકાશ ટાઇગર્સ અને થાણે સ્કાય રાઇઝર્સ વચ્ચે રમાશે. આ મૅચમાં જીતનારી ટીમ ૧૩ જૂનની ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરશે. બન્ને ટીમ ત્રણમાંથી માત્ર એક મૅચ જીતીને ૨-૨ પૉઇન્ટ ધરાવે છે.

સતત ત્રણ મૅચ જીતીને સોબો મુંબઈ ફાલ્કન્સ પહેલી ફાઇનલિસ્ટ બની હતી. ગઈ કાલે સવારે ૧૬૦ રનના ટાર્ગેટ સામે સોબો મુંબઈ ફાલ્કન્સને ૧૨૬/૯ના સ્કોર પર રોકી ૩૩ રનથી જીત સાથે થાણે સ્કાય રાઇઝર્સે ત્રણ ટીમોની લીગમાં ફાઇનલ મૅચની આશા જીવંત રાખી હતી.

sachin tendulkar arjun tendulkar mumbai news cricket news sports news