25 October, 2026 08:41 AM IST | Christchurch | Gujarati Mid-day Correspondent
અર્શદીપ સિંહે શનિવારે ન્યુ ઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મૅચ દરમ્યાન પોતાના નામે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે
ભારતીય ટીમના લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહે શનિવારે ન્યુ ઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મૅચ દરમ્યાન પોતાના નામે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. અર્શદીપ એક કૅલેન્ડર વર્ષમાં ભારત તરફથી T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે.
બીજી મૅચમાં ૩૩ રન આપીને બે વિકેટ ઝડપવાની સાથે જ અર્શદીપે વર્ષ ૨૦૨૬માં પોતાની કુલ વિકેટની સંખ્યા ૩૮ પર પહોંચાડી દીધી હતી. આ સાથે જ તેણે ટીમમાં પુનરાગમન કરનારા સિનિયર બોલર ભુવનેશ્વર કુમારનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ભુવીએ ૨૦૨૨ના વર્ષમાં ૩૭ વિકેટ ઝડપી હતી.
અર્શદીપે આ વર્ષે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં T20 ફૉર્મેટમાં પોતાની ઉપયોગિતા ફરી સાબિત કરી દીધી છે. તેણે ઇનિંગ્સની શરૂઆતમાં ટિમ સાઇફર્ટ અને ત્યાર બાદ સેટ થયેલા ગ્લેન ફિલિપ્સની મહત્ત્વની વિકેટ ઝડપીને ભારત તરફથી આ સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું.
અર્શદીપે ૩૮ વિકેટનો આ આંકડો માત્ર ૨૬ ઇનિંગ્સમાં પાર કર્યો છે, જ્યારે ભુવનેશ્વર કુમારે ૨૦૨૨માં ૩૭ વિકેટ લેવા માટે ૩૧ ઇનિંગ્સ લીધી હતી. આ સિદ્ધિ સાથે અર્શદીપ હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ફુલ-મેમ્બર દેશોના બોલર્સમાં એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સની યાદીમાં સંયુક્ત રીતે બીજા અને ઓવરઑલ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તે માત્ર આયરલૅન્ડના જૉશ લિટલ અને શ્રીલંકાના વાનિન્દુ હસરંગાથી પાછળ છે.