28 May, 2026 02:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦૨૭ની સીઝન બાદ સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPLનો વિસ્તાર કરવાનું ક્રિકેટ બોર્ડ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે, જેને કારણે હાલની કુલ ૭૪ મૅચની સંખ્યા વધીને ૯૪ થઈ જશે. જો એવુ થયું તો ટુર્નામેન્ટના દિવસો પણ વધી જશે, તેમ જ એપ્રિલ-મેમાં ગરમીમાં વધુ મૅચો રમવી રિસ્કી થઈ શકે એમ હોવાથી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ઠંડીના દિવસોમાં રમાડવા અંગે વિચારણા થઈ રહી છે. IPLના ચેરમૅન અરુણ ધુમાલે તાજેતરમાં જ આ બાબતે કહ્યું હતું કે ‘એક સીઝનમાં કુલ મૅચની સંખ્યા ૭૪થી વધારીને ૯૪ કરવામાં આવશે જેથી દસેય ટીમ એકબીજા સામે પૂરી ૧૮ લીગ મૅચ રમી શકે. દરેક ટીમે (હોમ ઍન્ડ અવે ફૉર્મેટ અનુસાર) આ ૧૮ લીગ મૅચમાંથી ૯ મૅચ હોમગ્રાઉન્ડ પર અને ૯ મૅચ હરીફ ટીમના મેદાન પર રમવાની રહેશે.’ હાલમાં IPLની એક સીઝન ૬૦થી ૬૫ દિવસની હોય છે જેમાં પ્રત્યેક ટીમે ૧૪ લીગ મૅચ રમવાની હોય છે. એમાં પણ અમુક ટીમો કેટલીક અન્ય ટીમ સામે રમી જ નથી શકતી અથવા તો એની સામે એક જ લીગ મૅચ રમી શકે છે. આ વર્તમાન ફૉર્મેટથી બ્રૉડકાસ્ટર્સ બહુ ખુશ નથી. IPL મોટા ભાગે માર્ચ-મે વચ્ચેના સમયગાળામાં રમાતી આવી છે. કેટલાક અહેવાલો મુજબ આ સમયગાળામાં ખૂબ ગરમી પડતી હોવાથી ખેલાડીઓ ખૂબ થાકી જવાના અને ઈજાગ્રસ્ત થવાના બનાવો વધી ગયા છે. ગરમીને લીધે ખેલાડીઓ ડીહાઇડ્રેશનનો શિકાર થાય છે અને તેમને સ્નાયુઓ જકડાઈ જવાની સમસ્યા પણ નડે છે. આ બધું જોતાં IPLને ૨૦૨૮થી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં રાખવાની અથવા ટુર્નામેન્ટને (આંતરરાષ્ટ્રીય સમયપત્રક અને હવામાનને ધ્યાનમાં રાખીને) બે તબક્કામાં વહેંચી દેવાની વિચારણા પણ ચાલી રહી છે. દર વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચેના પિરિયડમાં પણ આખી ટુર્નામેન્ટ રાખવાના સૂચન પર પણ વિચારણા થઈ રહી છે. જાહેરખબરો આપતી કંપનીઓ અને એજન્સીઓ પણ સપ્ટેમ્બર-ઑક્ટોબરના સંભવિત સમયગાળાથી ખુશ હોવાનું જણાય છે, કારણ કે તેમના મતે માર્ચ-મેની અસહ્ય ગરમી કરતાં દિવાળી પહેલાંનો સમયગાળો સારો. જોકે માર્ચ-મે દરમ્યાન બાળકોને સ્કૂલ-કૉલેજમાં વેકેશન હોવાથી તેઓ IPLની મૅચો જોતાં હોય છે એ પણ વિચારવા જેવો મુદ્દો છે. આ તમામ મુદ્દે ICC તથા વિવિધ દેશોનાં ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું.