કાંગારૂઓ સામે ત્રીજી ટેસ્ટમાં પણ અંગ્રેજો પ્રેશરમાં

19 December, 2025 09:50 AM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ૩૭૧ રન સામે ઇંગ્લૅન્ડે બીજા દિવસના અંતે ૮ વિકેટ ગુમાવીને ૨૧૩ રન કર્યા, યજમાન ટીમ પાસે હજી ૧૫૮ રનની લીડ બાકી

ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કના ખતરનાક બાઉન્સરથી બચતો જોવા મળ્યો ઈંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ

ઍશિઝ ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી આગળ ઑસ્ટ્રેલિયન ટીમે ઍડીલેડ ટેસ્ટ-મૅચમાં પણ ઇંગ્લૅન્ડને પ્રેશરમાં મૂકી દીધું છે. કાંગારૂ ટીમ ૩૭૧ રનમાં ઑલઆઉટ થઈ એ પછી મહેમાન ટીમે બીજા દિવસના અંતે ૬૮ ઓવરમાં કૅપ્ટન બેન સ્ટોક્સ અને વાઇસ કૅપ્ટન હૅરી બ્રૂકના ૪૫-૪૫ રનની મદદથી ૮ વિકેટ ગુમાવીને ૨૧૩ રન કર્યા હતા.

બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ૮ વિકેટે ૩૨૬ રનના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. પૂંછડિયા બૅટર મિચલ સ્ટાર્કે ૭૫ બૉલમાં ૯ ફોરની મદદથી ૫૪ રન કરીને ટીમનો સ્કોર ૩૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. કાંગારૂઓની અંતિમ બે વિકેટ લેનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ૨૦.૨ ઓવરના સ્પેલમાં ૫૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડે પોતાની પહેલી ઇનિંગ્સમાં ૧૬.૪ ઓવરના સ્પેલમાં ૭૧ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટૉપ ઓર્ડર બૅટર્સ ઝૅક ક્રૉલી ૯, બેન ડકેટ ૨૯, ઑલી પોપ ૩ અને જો રૂટ ૧૯ રન કરી શક્યા હતા. હૅરી બ્રૂકે આવા સમયે ૬૩ બૉલમાં બે ફોર અને એક સિક્સરની મદદથી ૪૫ રન કરીને ઇનિંગ્સમાં થોડી સ્થિરતા અપાવી હતી. બ્રાયડન કાર્સ ઝીરો, જેમી સ્મિથ ૨૨, વિલ જેક્સ ૬ રન કરીને આઉટ થતાં અંગ્રેજ ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો. બેન સ્ટોક્સ ૧૫૧ બૉલમાં ૩ ફોરના આધારે ૪૫ રન કરીને ધીરજપૂર્વક રમતો જોવા મળ્યો હતો.

જોફ્રા આર્ચરે પણ ચાર ફોરની મદદથી ૪૮ બૉલમાં ૩૦ રનની અણનમ ઇનિંગ્સ રમીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ઇન્જરીમાંથી કમબૅક કરનાર કૅપ્ટન પૅટ કમિન્સે ૧૪ ઓવરમાં ૫૪ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. નૅથન લાયન અને સ્કૉટ બોલૅન્ડને પણ બે-બે સફળતા મળી હતી. બૅટિંગમાં ફ્લૉપ રહેલા કૅમરન ગ્રીનને ૮ ઓવરના સ્પેલમાં હૅરી બ્રૂકની એક વિકેટ મળી હતી. મિચલ સ્ટાર્ક ૧૨ ઓવરમાં ૫૪ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. જોકે તે સ્ટોક્સના માથા પાસેથી ખતરનાક રીતે પસાર થયેલા બાઉન્સરને કારણે ચર્ચામાં રહ્યો હતો. 

564

આટલી વિકેટ લઈને નૅથન લાયન કાંગારૂ ટીમનો બીજો બેસ્ટ ટેસ્ટ-બોલર બન્યો. ૫૬૩ વિકેટ લેનાર ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાને પછાડ્યો.

12

જો રૂટને સૌથી વધુ આટલી વખત ટેસ્ટ-મૅચમાં આઉટ કરવાનો રેકૉર્ડ કર્યો પૅટ કમિન્સે

ashes test series australia england adelaide adelaide oval test cricket cricket news sports sports news