જો રૂટે ૪૧મી સદી નોંધાવી, ટેસ્ટ-ક્રિકેટમાં હવે સચિન તેન્ડુલકરથી માત્ર ૧૦ સેન્ચુરી દૂર

06 January, 2026 12:53 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૩૮૪ રન કર્યા, બીજા દિવસના અંતે આૅસ્ટ્રેલિયાનો સ્કોર ૧૬૬/૨

૨૪૨ બૉલમાં ૧૬૦ રન કરીને જો રૂટ વર્તમાન સિરીઝમાં બીજી વખત ૧૦૦+ રનની ઇનિંગ્સ રમ્યો હતો

વિઘ્નો સાથે શરૂ થયેલી સિડની ટેસ્ટ-મૅચનો બીજો દિવસ રોમાંચક રહ્યો હતો. જો રૂટના ૧૬૦ રન અને હૅરી બ્રૂકના ૮૪ રનના આધારે ઇંગ્લૅન્ડે ૯૭.૩ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૩૮૪ રન કર્યા હતા. યજમાન ઑસ્ટ્રેલિયાએ ટ્રૅવિસ હેડના ૯૧ રનના આધારે બીજા દિવસના અંત સુધીમાં બે ​વિકેટે ૧૬૬ રન કર્યા હોવાથી અંગ્રેજ ટીમ પાસે ૨૧૮ રનની લીડ બચી છે.

બીજા દિવસે મહેમાન ટીમે ૪૬મી ઓવરમાં ૨૧૧/૩ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. જો રૂટ અને હૅરી બ્રૂકે ચોથી વિકેટ માટે કરેલી ૧૫૪ રનની ભાગીદારીને ૧૬૯ રન સુધી જ પહોંચાડી હતી. જો રૂટે ૨૪૨ બૉલમાં ૧૫ ફોરની મદદથી ૧૬૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટેસ્ટ-ક્રિકેટમાં ૪૧મી સદી નોંધાવી હતી.

હૅરી બ્રૂકે ૯૭ બૉલમાં ૮૪ રન અને જેમી સ્મિથે ૭૬ બૉલમાં ૪૬ રનની ઇનિંગ્સ રમી ટીમને મજબૂત સ્કોર કરવામાં મદદ કરી હતી. કાંગારૂ ફાસ્ટ બોલર માઇકલ નેસરે ૬૦ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. સ્કૉટ બૉલૅન્ડ અને મિચલ સ્ટાર્કને ૨-૨ જ્યારે કૅમરન ગ્રીન, માર્નસ લબુશેનને ૧-૧ વિકેટ મળી હતી.

ઑસ્ટ્રેલિયાના ટૉપ-ઑર્ડરે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ઓપનર જેક વેધરલ્ડે ૩૬ બૉલમાં ૨૧ રન અને માર્નસ લબુશેને ૬૮ બૉલમાં ૪૮ રન ફટકાર્યા હતા. મુખ્ય ઓપનર ટ્રૅવિસ હેડ ૮૭ બૉલમાં ૯૧ રન કરીને પિચ પર ટકી રહ્યો હતો. ૧૬૨ રનના સ્કોર પર બે વિકેટ પડી ત્યારે યજમાન ટીમે માઇકલ નેસરને નાઇટ વૉચમૅન તરીકે મેદાન પર ઉતાર્યો હતો. તે ૧૫ બૉલમાં ૧ રન કરીને નૉટ આઉટ રહ્યો હતો.

૨૦૨૧થી ૨૪ ટેસ્ટ-સદી ફટકારી ચૂક્યો છે જો રૂટ

સૌથી વધુ ટેસ્ટ-સદી મામલે જો રૂટ હવે ૪૧ ટેસ્ટ સદી ફટકારનાર રિકી પૉન્ટિંગ સાથે ત્રીજા ક્રમે છે. ૫૧ સદી સાથે સચિન તેન્ડુલકર પહેલા સ્થાને અને ૪૫ સદી સાથે જૅક કૅલિસ બીજા ક્રમે છે. જો રૂટ ૨૦૨૧થી એટલે કે આ દાયકાની શરૂઆતથી ૨૪ ટેસ્ટ-સદી ફટકારી ચૂક્યો છે. ૩૫ વર્ષનો જો રૂટ સચિનના સૌથી વધુ ટેસ્ટ-સદીના માઇલસ્ટોનથી ૧૦ સદી દૂર છે. સચિને ૩૨૯ ઇનિંગ્સમાં ૧૫,૯૨૧ ટેસ્ટ રન કર્યા છે, જ્યારે જો રૂટ ૨૯૭ ટેસ્ટ ઇનિંગ્સમાં ૧૩,૯૨૨ રન સાથે બીજા ક્રમે છે. સૌથી વધુ ટેસ્ટ-રન કરવા મામલે જો રૂટને હવે ૨૦૦૦ રનની જરૂર છે.

14

આટલી વખત બેન સ્ટોક્સ મિચલ સ્ટાર્ક સામે ટેસ્ટ-મૅચમાં આઉટ થયો. બન્ને માટે આ હરીફ બૅટર અને બોલર સામેનું ટેસ્ટ-ફૉર્મેટનું રેકૉર્ડ પ્રદર્શન છે.

ashes test series australia england test cricket sydney joe root sachin tendulkar cricket news sports sports news